ઠાકોર સમાજની અવગણના મામલે રાજકારણ ગરમાયું, કોંગ્રેસના નેતાઓ વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા
વિક્રમ ઠાકોરનો વિવાદ તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં કલાકારોને આમંત્રણ આપવાના મ

વિક્રમ ઠાકોરનો વિવાદ તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં કલાકારોને આમંત્રણ આપવાના મુદ્દે ઊભો થયો છે. માર્ચ 2025માં યોજાયેલા એક કાર્યક્રમમાં ગુજરાતી લોક કલાકારોને વિધાનસભામાં બોલાવવામાં આવ્યા હતા, જેમાં ગીતા રબારી અને કિંજલ દવે જેવા કલાકારોનો સમાવેશ થયો હતો. જોકે, વિક્રમ ઠાકોરને આ કાર્યક્રમમાં આમંત્રણ નહોતું આપવામાં આવ્યું, જેના કારણે તેમણે અને ઠાકોર સમાજે નારાજગી વ્યક્ત કરી હતી.હવે આ વિવાદને લઇને કોંગ્રેસના નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
અમિત ચાવડા આવ્યા વિક્રમ ઠાકોરના સમર્થનમાં
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડા પણ વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા છે. અમિત ચાવડાએ કહ્યું કે,"સબકા સાથ સબકા વિકાસનો નારો ભાજપ માત્ર ચૂંટણીમાં મત લેવા આપે છે.ચોક્કસ સમાજના લોકો, ચોક્કસ કલાકારોને નહીં બોલાવી સરકારનું ભેદભાવભર્યુ વલણ બહાર આવ્યું છે તેને સખત શબ્દોમાં વખોડું છું. વિક્રમ ઠાકોરની જે લાગણી છે જમીન સાથે જોડાયેલા ગરીબ વર્ગમાંથી મહેનત કરીને આવનારા જે કલાકારો છે તે કલાકારોનું સન્માન ના કરીને સરકારે ભેદભાવની નીતિના દર્શન કરાવ્યા છે."
પાટણના ધારાસભ્યએ પણ આપી પ્રતિક્રિયા
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "કલાકારો બધા સરખા હોય છે, કોઇ પણ કોમના કલાકાર હોય તેમની અવગણના ના થવી જોઇએ. ઠાકોર સમાજની અવગણના થઇ છે તે સાચી છે વિધાનસભાના અધ્યક્ષે આ બાબતે સ્પષ્ટતા કરવી જોઇએ. વિક્રમ ઠાકોર સહિતના જે કલાકારો રહી ગયા હોય તેમને વિધાનસભામાં ફરી બોલાવવા જોઇએ અને સન્માન કરવું જોઇએ."
કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર પણ વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા હતા અને પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "જે રીતે વિધાનસભા ગૃહમાં અમુક જ કલાકારોને બોલાવવામાં આવ્યા અને અમુકને ના બોલાવવામાં આવ્યા. ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમ ઠાકોરને આમંત્રણ આપવામાં ના આવતા ઠાકોર સમાજ નારાજ થયો છે."
વિવાદે લીધો રાજકીય રંગ
વિક્રમ ઠાકોર, જેઓ ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા અને ગાયક છે, તેમણે આ ઘટનાને ઠાકોર સમાજના કલાકારોની અવગણના તરીકે જોઈ અને તેનો જાહેરમાં વિરોધ કર્યો હતો. વિક્રમ ઠાકોરે આ મુદ્દે પોતાનો રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આવી અવગણના સહન નહીં કરવામાં આવે. આ ઉપરાંત, 16 માર્ચ 2025ના રોજ કુડાસણ ખાતે યોજાયેલા ઠાકોર સમાજના એક સ્નેહમિલન કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી અને આ મુદ્દે સરકાર પર આક્ષેપો કર્યા હતા. સમાજના અન્ય આગેવાનોએ પણ વિક્રમ ઠાકોરને સમર્થન આપ્યું અને સરકારની આ નીતિ સામે રોષ ઠાલવ્યો હતો.
આ વિવાદે રાજકીય રંગ પણ લીધો છે, કારણકે કેટલાકનું માનવું છે કે વિક્રમ ઠાકોરને બાકાત રાખવા પાછળ તેમની ફિલ્મી ઓળખ કે 2011માં તેમના પર લાગેલા ₹35 લાખની છેતરપિંડીના આરોપો જેવા કારણો હોઈ શકે છે, જોકે આની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ ઘટનાએ ઠાકોર સમાજ અને સરકાર વચ્ચે તણાવ પેદા કર્યો છે અને તેને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.








