Video: કાંકરિયામાં હવે દોડશે સંપૂર્ણ સ્વદેશી નવી ટોય ટ્રેન

અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાતે આવતા લોકો માટે સારા સમાચાર છે. આગામી થોડા દિવસોમાં કાંકરિયા ખાતે નવી ટોય ટ્રેન શરૂ થવાની શક્યતા છે. નવી બે ટ્રેન આવી ગઈ છે અને હાલમાં તેનું પરીક્ષણ ચાલી રહ્યું છે. પરીક્ષણ પૂર્ણ થયા બાદ જરૂરી લાઇસન્સની પ્રક્રિયા પૂરી કરીને ટ્રેનને મુલાકાતીઓ માટે શરૂ કરવામાં આવશે. હાલ કાંકરિયામાં દોડતી અટલ એક્સપ્રેસ અને સ્વર્ણિમ એક્સપ્રેસ જૂની થઈ હોવાથી તેના સ્થાને નવી ટ્રેન મૂકવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજે 3.54 કરોડ રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવતી આ ટ્રેન સંપૂર્ણ ભારતીય બનાવટની છે. આ ટ્રેનમાં તમામ કોચ ખુલ્લા હશે અને આશરે 150 મુસાફરો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રેનમાં આકર્ષક લાઇટિંગ, જાહેર જાહેરાત માટેની વ્યવસ્થા અને આરામદાયક બેઠકની સુવિધા મળશે.




