રાહુલ ગાંધીના નિવેદન અંગે મુખ્યમંત્રી વિરોધ કરવા ઊતર્યા, પણ દાહોદની ઘટના મામલે મૌન
એક બાજુ દાહોદમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાની ઘટના બની છે. આ મામલે મુખ્યમંત્રી સહિત ભાજપના ન

એક બાજુ દાહોદમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાની ઘટના બની છે. આ મામલે મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓ મૌન સેવી રહ્યા છે. બીજી બાજુ રાહુલ ગાંધીએ વિદેશમાં અનામત અંગે આપેલા નિવેદન પર ભાજપ આક્રમક મૂડમાં છે. અમદાવાદમાં શહેર ભાજપ દ્વારા રેલી અને ધરણા યોજવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં ખુદ મુખ્યમંત્રી હાથમાં કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવા ઊતર્યા હતા.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ અમેરિકામાં અનામતવિરોધી આપેલા નિવેદનને લઈ આજે મોટાભાગના શહેરોમાં ભાજપે ધરણાં યોજી વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદમાં તો ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિરોધ કરવા માટે મેદાને ઉતર્યાં હતા. પરિણામે લોકોમાં એવી ચર્ચા છે કે વિપક્ષ સામે તમે આક્રમક બનો એમાં વાંધો નથી પરંતુ દુષ્કર્મ જેવી ગંભીર ઘટનાઓમાં પણ સરકાર સંવેદનશીલતા દેખાડે.
દાહોદમાં બાળકી સાથે થયેલી દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં ગુજરાત ભાજપ સરકારના બેવડા વલણ સામે સવાલો ઉઠી રહ્યાં છે. અહીં તો હાથીના દાંત ચાવવાના જૂદા અને દેખાડવાના જૂદા જેવો ઘાટ ઘડાયો છે. લોકો સવાલ કરી રહ્યાં છે કે મુખ્યમંત્રી રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં તો રસ્તા પર આવ્યાં પણ દોહાદની દુષ્કર્મની ઘટના મુદ્દે ક્યારે મેદાનમાં આવશો? પશ્ચિમ બંગાળની બળાત્કારની ઘટના મુદ્દે મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી બંગાળના સીએમ મમતા બેનર્જીને પત્ર પણ લખ્યો હતો. પણ દાહોદની ઘટનામાં આરોપીનું ભાજપ કનેક્શન નિકળતા નેતાઓ મૌન છે.
આ નેતાઓ વિરોધમાં જોડાયા હતા
આ કાર્યક્રમમાં એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ, ગુજરાત પ્રદેશ ભાજપાના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ હસમુખ પટેલ, રાજ્યસભાના સાંસદ નરહરિ અમિન, મેયર પ્રતિભા જૈન, મહાનગરના તમામ ધારાસભ્યો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.








