Chhota Udaipur: હાંસડા ગામે પ્રાથમિક શાળાની બિલ્ડિંગમાં હલકી કક્ષાનું મટીરિયલ વપરાતા સ્થાનિકોમાં રોષ
છોટાઉદેપુરના હાંસડા ગામે બની રહેલી શાળાનું બિલ્ડિંગ શિક્ષણના ધામને બદલે ભ્રષ્ટ્રાચારનું કેન્દ્ર બની રહ્યું હોવાના સ્થાનિકો અને આમ આદમી પાર્ટી નેતાના આક્ષેપ છે. પ્રાથમિક શાળાના બિલ્ડિંગમાં હલકી ગુણવત્તાનું મટરિયલ વાપરવામાં આવતા સ્થાનિકો અને આપ નેતા રોષે ભરાયા હતા. બાળકોના ભવિષ્ય માટે બનતી શાળાની બિલ્ડિંગોમાં પણ અધિકારીઓ જરૂરી કાળજી લેતા નથી તેવી ગંભીર ફરિયાદ સ્થાનિકોએ કરી છે.
છોટાઉદેપુરના છેવાડાનું ગામ હાંસડા છે ત્યાં પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ બનતું હતું જેમાં સ્થાનિક લોકો એ બિલ્ડિંગ માં સારું મટીરિયલ વાપરવા માટે રજૂઆત કરતા કોન્ટ્રાકટર સ્થાનિક લોકો ની રજૂઆત ના સાંભળતા સ્થાનિક લોકો એ આમઆદમી પાર્ટી ના નેતા ને બોલાવી ને સમગ્ર સ્કૂલ માં કામ ચાલતા ભ્રષ્ટાચાર ની પોલ ખોલી છે. આ શાળામાં 1986થી પતરા વાળી શાળા હતી ત્યાર બાદ વારંવાર રજૂઆત કર્યા બાદ વર્ષો પછી સરકાર દ્વારા પ્રાથમિક શાળાનું નવું મકાન બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી, ત્યારે આ બિલ્ડિંગનું કામ સર્વ શિક્ષા અભિયાન દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. જેમાં કોન્ટ્રાકટર દ્વારા હલકી કક્ષાની કામગીરી બિલ્ડિંગમાં કરાઈ રહી છે. સ્લેબમાં એસ્ટીમેટ મુજબ સળિયા બાંધવામાં આવ્યા નથી જ્યારે ઈંટો પણ હલકી કક્ષાની છે આવી ગંભીર રજૂઆતો અધિકારીઓને કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લામાં પ્રાથમિક શાળા ના કામ માં આ ગેરરીતિને કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વિકાસની ગુલબાંગો વચ્ચે અધિકારીઓ કોન્ટ્રાકટર પાસે કામગીરી કરાવવા માટે નિષ્ફળ નીવડ્યા છે. જ્યારે સર્વ શિક્ષા અભિયાન દ્વારા પ્રાથમિક શાળાના ઓરડાની કામગીરી કરાવવામાં આવે છે, તેમાં યોગ્ય મટીરિયલ અને અધિકારીઓ પણ ધ્યાન આપતા નથી તેનો આ વરવો નમૂનો છે.

