Chhota Udaipur news: પાવી જેતપુરમાં દીપડાએ બાળકી પર કર્યો હુમલો, ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાઈ

છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં દીપડાના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નાની રાસલી ગામે ઘરના વાડામાં નહાઈ રહેલી ચાર વર્ષીય માસૂમ બાળકી પર દીપડાએ અચાનક હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીને હાલ વધુ સારવાર માટે બોડેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
સાંજના સમયે ત્રાટક્યો દીપડો
મળતી માહિતી અનુસાર, પાવી જેતપુરના નાની રાસલી ગામે રહેતા એક પરિવારની 4 વર્ષીય બાળકી સાંજના સાત વાગ્યાના અરસામાં ઘરના પાછળના ભાગે આવેલા વાડામાં નહાઈ રહી હતી. આ સમયે અંધારાનો લાભ લઈને ઓચિંતા ધસી આવેલા દીપડાએ બાળકી પર હુમલો કર્યો હતો. બાળકીની ચીસાચીસ સાંભળીને પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવતા દીપડો બાળકીને છોડીને જંગલ તરફ ભાગી છૂટ્યો હતો.
વધુ સારવાર માટે બોડેલી ખસેડાઈ
દીપડાના હુમલાથી બાળકી લોહીલુહાણ થઈ ગઈ હતી. તેને તાત્કાલિક પાવી જેતપુર ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકીની સ્થિતિને જોતા તેને વધુ સારવાર માટે બોડેલીની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે.
આ ઘટનાને પગલે વન વિભાગને જાણ કરવામાં આવી છે. નાની રાસલી અને આસપાસના ગામોમાં દીપડાના હુમલાથી લોકોમાં ભયનો માહોલ છે. ગ્રામજનોએ માંગ કરી છે કે વન વિભાગ તાત્કાલિક પાંજરું ગોઠવી આ હિંસક દીપડાને પાંજરે પૂરે જેથી અન્ય કોઈ જાનહાનિ ન થાય.

