Video: 'ન્યાય યાત્રા કાઢવાથી ન્યાય મળતો નથી', ભાજપ ધારાસભ્ય કુબેર ડિંડોરના AAP પર આકરા પ્રહાર

છોટાઉદેપુર ખાતે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા યુવા સંમેલનમાં ભાજપ ધારાસભ્ય કુબેર ડિંડોરે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. ડિંડોરે આદિવાસી સમાજને સંબોધતા જણાવ્યું હતું કે, માત્ર પાઘડી બાંધી લેવાથી કે ધોતિયું પહેરી લેવાથી કોઈ આદિવાસી બની જતું નથી. તેમના આ નિવેદનને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.
AAPની 'અધિકાર ન્યાય યાત્રા' સામે પ્રહાર
આમ આદમી પાર્ટી દ્વારા અંબાજીથી ઉમરગામ સુધી કાઢવામાં આવેલી અધિકાર ન્યાય યાત્રા અંગે પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે બે મહિલાઓને આગળ કરીને આખા આદિવાસી પટ્ટામાં યાત્રા કાઢવામાં આવી અને લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
'ન્યાય યાત્રા કાઢવાથી ન્યાય મળતો નથી'
વધુમાં તેમણે ચૈતર વસાવાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, વન વિભાગના કર્મચારી પર હુમલાના કેસને કારણે તેઓ જેલમાં છે. ન્યાય યાત્રા કાઢવાથી ન્યાય મળતો નથી, ન્યાય તો કોર્ટમાં મળે છે અને કાયદો પોતાનું કામ કરે છે. 'ભાજપ દ્વારા આદિવાસી નેતાઓને જેલમાં પુરવામાં આવે છે' તેવા આમ આદમી પાર્ટીના આક્ષેપોને પણ તેમણે ખોટા ગણાવ્યા હતા. કુબેર ડિંડોરના આક્રમક સંબોધન બાદ હવે સવાલ એ છે કે આમ આદમી પાર્ટી તેમના નિવેદનોનો શું જવાબ આપશે?







