VIDEO: છોટાઉદેપુર-એમપીને જોડતા હાઈવે પર ડાયવર્ઝન ધોવાયાને 4 મહિના બાદ કોન્ટ્રાક્ટર દ્વારા લીપાપોતીનો સ્થાનિકોનો આક્ષેપ
VIDEO: છોટાઉદેપુર જિલ્લાને મધ્યપ્રદેશ સાથે જોડતા હાઈવે નં-56 પર સવા 4 કરોડના ખર્ચે 10 વર્ષની ગેરન્ટી ધરાવતું ડાયવર્ઝન ધોવાયાને 4 મહિના પછી હવે કોન્ટ્રાક્ટર દ્વારા સમારકામમાં બેદરકારીનો સ્થાનિકોએ આક્ષેપ મૂકી કામ અટકાવી દીધું છે.
ગુજરાત તેમજ મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે નં-56 પસાર થાય છે જે સિહોદ પાસે ભારજ નદી પરનો પુલ 2 વર્ષ પહેલા તૂટી પડતા સવા 4 કરોડના ખર્ચે 10 વર્ષની ગેરન્ટી ધરાવતું ઓલ વેધર ડાયવર્ઝન નિયતિ કંસ્ટ્રક્શન દ્વારા બનાવ્યું હતું. પરંતુ આ ડાયવર્ઝન માત્ર 2 મહિનામાં જ ધોવાઈ જતા ચોમાસાના 4 મહિનામાં લોકોને 40 કિલોમીટરના ફેરાનું ડાયવર્ઝન અપાયું હતું. હવે ચોમાસું પૂર્ણ થયું છે ત્યારે તૂટેલા ઓલ વેધર ડાયવર્ઝનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં પાયામાં રેતી ભેગી કરી પીચિંગ કરવામાં આવતા સ્થાનિકોએ રબ્બર અને માટીનું પીચિંગ કરી આરસીસી કરવાની માંગ કરી રેતી પીચિંગનું કામ અટકાવી દીધું છે.
છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને હાલાકી અને મુશ્કેલીઓને ધ્યાનમાં લઈ 15 દિવસ પહેલા જનતાના ફંડફાળામાંથી જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું તેના પાયામાં પથ્થરો અને રબ્બરનું પીચિંત કરાયું હતું. જે રબ્બર પીચિંગની ઉપર બહારથી માટી લાવી પુરાણ કરી મજબૂત ડાયવર્ઝન બનાવ્યું જે જનતા દ્વારા બનાવવામાં આવતા કોઈ એન્જિનિયર ન હોવા છતાં મજબૂત બન્યું હતું. જ્યારે સવા ચાર કરોડના ખર્ચે બનેલા ગેરન્ટી ધરાવતા ડાયવર્ઝનમાં આઠલી મોટી ગોબાચારી થાય તેવા સ્થાનિકોએ આક્ષેપો કર્યા છે. નિયતિ કંસ્ટ્રક્શન દ્વારા બનાવેલું 10 વર્ષની ગેરન્ટી વાળું ડાયવર્ઝન માત્ર 2 માસમાં ધોવાઈ જતા હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ કાયદેસરના પગલાં ન લેતા તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા નદીની રેતી એકઠી કરી રેલવે બ્રિજની નજીક માટીને ખોદીને ડાયવર્ઝનના પાયાનું પુરાણ કરાતા સ્થાનિકોએ આક્ષેપ કરી સારું કામ થાય તેવી માંગ કરી છે.

