Ahmedabad news: ગુજરાત યુનિવર્સિટી હૉસ્ટેલમાં ચકચાર: બોટાદથી NSS કેમ્પમાં આવેલી 21 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Ahmedabad news: અમદાવાદ શહેરન

Ahmedabad news: અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આજે (6 ફેબ્રુઆરી) એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. યુનિવર્સિટીની હૉસ્ટેલમાં રહીને નેશનલ સર્વિસ સ્કીમ (NSS)ના કેમ્પમાં ભાગ લઈ રહેલી એક 21 વર્ષીય વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર શૈક્ષણિક આલમમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મામલો શું હતો
મળતી માહિતી અનુસાર, મૃતક વિદ્યાર્થિની મૂળ બોટાદની રહેવાસી હતી અને તે યુનિવર્સિટીમાં આયોજિત NSS કેમ્પમાં સહભાગી થવા માટે અમદાવાદ આવી હતી. આજે હૉસ્ટેલના રૂમમાં તેણે ગળેફાંસો ખાઈ લીધો હોવાની જાણ થતા જ હૉસ્ટેલ સ્ટાફ અને અન્ય વિદ્યાર્થીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ તપાસ
પોલીસે વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. 21 વર્ષની આશાસ્પદ દીકરીએ કયા સંજોગોમાં અને કયા માનસિક તણાવમાં આવીને આવું આત્યંતિક પગલું ભર્યું તે હજુ જાણી શકાયું નથી. પોલીસ અત્યારે વિદ્યાર્થિનીના મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓની તપાસ કરી રહી છે જેથી આત્મહત્યાનું કારણ સ્પષ્ટ થઈ શકે.
અપીલ: જીવનમાં મુશ્કેલીઓ ગમે તેટલી હોય, આત્મહત્યા એ રસ્તો નથી. જો તમે માનસિક રીતે વ્યથિત હોવ, તો 'જીવન આસ્થા' હેલ્પલાઇન 1800 233 3330 પર સંપર્ક કરી શકો છો.





