ગુજરાતમાં ભરશિયાળે વાતાવરણમાં પલટો, આજે કરા-ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં ભરશિયાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં તો કમોસમી વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. જ્યારે

ગુજરાતમાં ભરશિયાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં તો કમોસમી વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. જ્યારે અંબાજી, નડિયાદ, અરવલ્લી સહિતના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા હજુ શનિવારે 25 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં આવેલા પલટાથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
સાબરકાંઠા-બનાસકાંઠામાં કરા પડી શકે છે
હવામાન વિભાગની આગાહી અનુસાર, શનિવારે સાબરકાંઠા-બનાસકાંઠા-અરવલ્લી-નર્મદામાં કરા પડવાની જ્યારે વડોદરા-છોટા ઉદેપુર-ભરૂચ-નર્મદા-સુરત-ડાંગ-નવસારી-વલસાડ-તાપી-અમદાવાદ-ગાંધીનગર-પાટણ-મહેસાણા-ખેડા-અરવલ્લી-પંચમહાલ-દાહોદ-મહીસાગર-દમણમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. રવિવારથી વાતાવરણ પૂર્વવત થઇ શકે છે. કમોસમી વરસાદને પગલે વરિયાળી, બટાકા, ઘઉં, ચણા, ઝીરું, બટાકા, રાયડાના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે.
આજે મોટાભાગના સ્થલોએ વાદળછાયું વાતાવરણ રહેતા વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી 24 કલાક તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ત છે. આ પછી તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીના ચમકારામાં સાધારણ વધારો થઇ શકે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ભર શિયાળે વરસાદી માહોલ સાથે છવાયું ધુુમ્મસભર્યું વાતાવરણ
ગોધરામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ
ગોધરામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું છે. શહેરનાં મધ્યમાં આવેલા રામસાગર તળાવ માં ગાઢ ધુમ્મસ છવાતા આહલાદક દૃશ્યો જોવા મળ્યા હતા.શહેરના માર્ગો ઉપર પણ ધુમ્મસનું આવરણ જામ્યું હતું. ગાઢ ધૂમ્મસના કારણે વિઝીબલિટી ડાઉન થતા વાહનચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મહિસાગરમાં પણ લુણાવાડા-સંતરામપુર હાઇવે, હાલોલ-શામળાજી હાઇવે, લુણાવાડા-અમદાવાદ હાઈવે ઉપર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.








