Jamnagar news: સાવધાન! ખેતપેદાશો વેચતા પહેલા ચેતજો, કાલાવડમાં અનેક ખેડૂતોના લાખો રૂપિયા ફસાયા; આરોપી ફરાર
Jamnagar news: જામનગર

Jamnagar news: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ખેડૂતો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીની મોટી ઘટના સામે આવી છે. કાલાવડના સોરઠા ગામના એક ખેડૂત સહિત અન્ય કેટલાક ખેડૂતો પાસેથી ₹97.97 લાખની ખેતપેદાશો ખરીદી કર્યા બાદ નાણાં ન ચૂકવી એક શખ્સ ફરાર થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
શું છે સમગ્ર મામલો?
સોરઠા ગામમાં રહીને ખેતી કરતા કુલદીપભાઈ ગોરધનભાઈ કોઠીયાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, કાલાવડના કુંભનાથ પરા વિસ્તારમાં રહેતા દિલીપ નારદભાઈ સાવલિયા નામના શખ્સે તેમની પાસેથી તેમજ અન્ય ખેડૂતો પાસેથી મગફળી, તલ અને સફેદ ચણા જેવી કિંમતી ખેતપેદાશોની ખરીદી કરી હતી.
97.97 લાખની છેતરપિંડી
આરોપી દિલીપ સાવલિયાએ વિશ્વાસમાં લઈને કુલ 97,97,601 જેટલી માતબર રકમનો માલ ખેડૂતો પાસેથી મેળવી લીધો હતો. જોકે, જ્યારે નાણાં ચૂકવવાનો સમય આવ્યો ત્યારે આરોપીએ હાથ ખંખેરી લીધા હતા અને ખેડૂતોના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આખરે પોતાની મહેનતની કમાણી ડૂબતી જોઈ ખેડૂતોએ પોલીસનો આશરો લીધો છે.
પોલીસ તપાસ અને ફરાર આરોપી
કાલાવડ ગ્રામ્ય પોલીસે કુલદીપભાઈની ફરિયાદના આધારે દિલીપ સાવલિયા વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ આરોપી ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેની શોધખોળ કરી રહી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.



