મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદના ફૂટપાથો પર ગેરકાયદે દબાણોનો મામલો પહોંચ્યો હાઈકોર્ટ: ‘રાઈટ ટુ વોક’ મુદ્દે PIL દાખલ, તંત્ર પાસે માંગ્યો એક્શન પ્લાન

શહેરમાં દિન-પ્રતિદિન વકરી ર

અમદાવાદના ફૂટપાથો પર ગેરકાયદે દબાણોનો મામલો પહોંચ્યો હાઈકોર્ટ: ‘રાઈટ ટુ વોક’ મુદ્દે PIL દાખલ, તંત્ર પાસે માંગ્યો એક્શન પ્લાન
આ સમાચાર સાંભળો

શહેરમાં દિન-પ્રતિદિન વકરી રહેલી ટ્રાફિક સમસ્યા અને રાહદારીઓ માટે અડચણરૂપ બનેલા ફૂટપાથોના ગેરકાયદે દબાણનો મુદ્દો હવે ગુજરાત હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો છે. શહેરમાં રાહદારીઓ માટે સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા તેમજ ગેરકાયદે દબાણોને તાત્કાલિક અસરથી દૂર કરાવવા માટે હાઈકોર્ટમાં એક મહત્વપૂર્ણ જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે.

સમગ્ર શહેરમાં સર્વે અને ડિમાર્કેશન કરવાની માંગ

અરજદાર દ્વારા હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે અમદાવાદના તમામ વિસ્તારોમાં ફૂટપાથોનો એક સંપૂર્ણ અને વિગતવાર સર્વે હાથ ધરવામાં આવે. સાથોસાથ ફૂટપાથોનું યોગ્ય ડિમાર્કેશન (હદ નક્કી) કરવામાં આવે જેથી રાહદારીઓ માટે ચોક્કસ જગ્યા સુનિશ્ચિત થઈ શકે. હાલમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં ફૂટપાથ પર ગેરકાયદે લારી-ગલ્લાં, વ્યવસાયિક પ્રવૃત્તિઓ અને આડેધડ વાહન પાર્કિંગના કારણે રાહદારીઓને નાછૂટકે જીવના જોખમે મુખ્ય રસ્તા પર ચાલવાની ફરજ પડી રહી છે.

રાહદારીઓનો ‘રાઈટ ટુ વોક’ એ બંધારણીય અધિકાર

આ અરજીમાં નાગરિકોના મૂળભૂત અધિકાર એવા ‘રાઈટ ટુ વોક’ (Right to Walk) નો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. અરજીમાં 19 જૂન 2026ના સુપ્રીમ કોર્ટના સીમાચિહ્નરૂપ ચુકાદાનો સંદર્ભ આપીને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સુરક્ષિત અને અવરોધમુક્ત ફૂટપાથ એ નાગરિકોનો બંધારણીય અધિકાર છે. ફૂટપાથનું યોગ્ય નિર્માણ કરવું, તેની જાળવણી રાખવી અને તેને દબાણમુક્ત રાખવું એ સ્થાનિક પ્રશાસનની પ્રાથમિક કાનૂની જવાબદારી બને છે.

દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે સુગમતાની અપીલ

અરજીમાં ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે સુલભ, અવરોધરહિત અને સલામત ફૂટપાથની વ્યવસ્થા કરવા ભાર મૂકવામાં આવ્યો છે. તંત્ર સમક્ષ અગાઉ અનેક રજૂઆતો કરવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાયા હોવાનો પણ અરજીમાં દાવો કરાયો છે.

વોર્ડવાઈઝ એક્શન રિપોર્ટ અને કમ્પ્લાયન્સ રિપોર્ટની માંગણી

અરજદાર દ્વારા હાઈકોર્ટને અપીલ કરવામાં આવી છે કે,  શહેરના તમામ વોર્ડ પ્રમાણે ફૂટપાથની વર્તમાન સ્થિતિ અને દબાણો અંગેનો એક્શન પ્લાન રજૂ કરવાનો આદેશ આપવામાં આવે. ગેરકાયદેસર પાર્કિંગ અને વ્યવસાયિક અડ્ડાઓ તાકીદે હટાવવામાં આવે. દબાણ દૂર થયા બાદ હાઈકોર્ટ સમક્ષ કમ્પ્લાયન્સ રિપોર્ટ  રજૂ થાય. ભવિષ્યમાં ફરીથી દબાણ ન થાય તે માટે સતત અને નિયમિત મોનિટરિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવે. આ મહત્વપૂર્ણ જાહેર હિતની અરજી પર આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં વિસ્તૃત સુનાવણી હાથ ધરાશે, જેના પર હવે સમગ્ર અમદાવાદના નાગરિકો અને વહીવટી તંત્રની નજર ટકેલી છે.

આ સમાચાર શેર કરો