મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BZ કૌભાંડ: આરોપી ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ CIDએ ફાઈલ કરી ચાર્જશીટ, 6000 કરોડનું કૌભાંડ 172 કરોડે આવીને અટક્યું

અમદાવાદ: ચકચારી BZ કૌભાંડ મામલે આખરે CIDએ ચાર્જશીટ કરી છે. મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ

BZ કૌભાંડ: આરોપી ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ CIDએ ફાઈલ કરી ચાર્જશીટ, 6000 કરોડનું કૌભાંડ 172 કરોડે આવીને અટક્યું

અમદાવાદ: ચકચારી BZ કૌભાંડ મામલે આખરે CIDએ ચાર્જશીટ કરી છે. મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ 250 પાનાની પુરવણી ચાર્જશીટ કરાઈ છે.

રાજ્યના સૌથી ચર્ચિત BZ કૌભાંડ મામલે CIDએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પુરવણી ચાર્જશીટ સબમિટ કરી છે. જેમાં 6 હજાર કરોડનો કૌભાંડનો આંક ચાર્જશીટમાં માત્ર 172,59,68,806 (172 કરોડ) પર આવીને અટકી ગયો છે. સરકારની મંજૂરી વગર પૈસા ઉઘરાવી રોકાણકારોને છેતર્યા હોવાનો CID દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. પાછલા વર્ષોમાં કુલ 11,183 રોકાણકારો પાસેથી યેનકેન પ્રકારે ભુપેન્દ્રસિંહ ઝાલાએ રૂપિયા લીધા હતા. રાજ્યમાં BZની જુદી જુદી 18 બ્રાંચથી કામગીરી ચાલતી હતી જેમાં 51 કર્મચારીઓ કામ કરતા હતા. તપાસ સંસ્થા દ્વારા સમગ્ર કેસમાં કુલ 727 સાહેદો (સાક્ષી) દર્શાવવામાં આવ્યા છે. BZ ગ્રુપ દ્વારા રોકાણકારોને અને એજન્ટોને મોંઘાદાટ મોબાઈલ, વિદેશ યાત્રા સહિતની લાલચ આપવામાં આવતી હતી. કુલ 11,183 રોકાણકારોમાંથી 6866 રોકાણકારોને 172 કરોડ ચૂકવવાના બાકી હોવાનો પણ CID ક્રાઈમે ખુલાસો કર્યો છે. હજુ પણ કેસને લગતા કેટલાક લોકો ફરાર હોવાનો CID ક્રાઈમ દ્વારા ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે સમગ્ર મામલે આગામી દિવસોમાં ચાર્જફ્રેમ કરી આગામી કાર્યવાહી હાથ ધરાશે.

BZ ગ્રુપ કૌભાંડ શું છે?

ગુજરાતમાં BZ ગ્રુપ કૌભાંડ એક મોટું નાણાકીય કૌભાંડ છે જેમાં BZ ફાઇનાન્સિયલ સર્વિસિસ અને BZ ગ્રુપ નામની કંપનીઓએ લોકોને બેંકો કરતાં વધુ વ્યાજ (લગભગ 7% માસિક અથવા 84% વાર્ષિક) અને ઊંચું રિટર્ન આપવાની લાલચ આપીને રોકાણ કરાવ્યું હતું. આ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા છે, જે BZ ગ્રુપનો CEO હતો. આ કંપનીએ એક પોન્ઝી સ્કીમ ચલાવી, જેમાં નવા રોકાણકારોના પૈસામાંથી જૂના રોકાણકારોને વ્યાજ ચૂકવવામાં આવતું હતું.

શરૂઆતમાં આ કૌભાંડનું કદ 6,000 કરોડ રૂપિયાનું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ તપાસ બાદ CID ક્રાઇમે જણાવ્યું કે ખરેખર આ રકમ લગભગ 422-450 કરોડ રૂપિયાની છે. આ રકમ 11,232 રોકાણકારો પાસેથી એકત્ર કરવામાં આવી હતી.

BZ ગ્રુપે ગુજરાત અને રાજસ્થાનમાં 17 શાખાઓ ખોલી હતી જેમાં પ્રાંતિજ, હિંમતનગર, વિજાપુર, પાલનપુર, રાયગઢ, ભિલોડા, ખેડબ્રહ્મા, ગાંધીનગર, રણાસણ, મોડાસા, માલપુર, લુણાવાડા, ગોધરા, બાયડ, વડોદરા, ડુંગરપુર (રાજસ્થાન), અને રાજુલા (અમરેલી) નો સમાવેશ થાય છે. આ શાખાઓ દ્વારા 3,000થી વધુ એજન્ટોનું નેટવર્ક બનાવવામાં આવ્યું હતું.

ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં મોટો ખુલાસો

BZ પોન્ઝી સ્કીમ મામલે તપાસમાં જાણવા મળ્યું છે કે અમદાવાદની FX ટ્રેડિંગ નામની કંપનીમાં કામ કરીને ભૂપેન્દ્રસિંહ ઝાલા ટ્રેડિંગ અને માર્કેટિંગની સ્કિલ શીખ્યો હતો. આ પહેલા M WAY નામની કંપનીમાં એજન્ટ તરીકે ભૂપેન્દ્રસિંહ ઝાલા કામ કરતો હતો.

ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સૌથી પહેલા YFI (Yearn Finance) કોઈનમાં રૂપિયા 10 કરોડ રોકાણ કર્યું હતું. જેમાં તેણે રોકાણ સામે 18 કરોડ મેળવ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અત્યાર સુધી 250 કરોડ રૂપિયા રોકાણકારોને ચૂકવ્યા હતા. હજુ પણ 100 કરોડ રોકાણકારોને ચૂકવવાના બાકી છે. ભૂપેન્દ્રસિંહે 3 મહિનામાં જ 10 કરોડના 18 કરોડ રૂપિયા કર્યા હતા અને ત્યારબાદ બંને કંપનીને મર્જ કરી પોતાની એક સ્કીમ શરૂ કરી હતી.

કેટલા રોકાણકારોએ કેટલું રોકાણ કર્યું

સી.આઈ.ડી.ક્રાઈમે મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાને કુલ કેટલા રોકાણકારોએ કેટલુ રોકાણ કરેલ છે તે બાબતે પુછપરછ કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે રોકાણકારોની વિગતો ઓનલાઇન વેબસાઇટ BZTRADE.in ઉપર રોજેરોજ એન્ટ્રીઓ કરવામા આવતી હતી અને આ BZTRADE.in ના ડેટા મેળવતા BZ GROUP માં કુલ આશરે 11,000 રોકાણકારોએ કરોડો રૂપિયાનુ રોકાણ કરેલ હોવાની વિગત મળી આવી છે.

આ સિવાય 3 ક્રિકેટરો દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું તેવી માહિતી પણ સામે આવી છે. જેમાં ક્રિકેટરો દ્વારા 10 લાખની આસપાસનું રોકાણ કરવામાં આવ્યું હતું.

કુલ 10 જેટલા લોકોએ 1 કરોડ કરતા વધારે રૂપિયા રોક્યા હતા તેવી માહિતી સામે આવી છે. સીઆઈડી ક્રાઈમે જણાવ્યું કે આ કેસમાં અગત્યના મુદ્દાઓમાં તેના એકાઉન્ટ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. જેટલા પણ રોકાણકારો છે, તેમની પાસેથી આરોપી કેવી રીતે લાભ મેળવ્યો.

17 શાખાઓ, 17 થી 18 મિલ્કતો વસાવી

આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાના મોબાઇલ ફોનમાંથી BZ GROUP ના મુખ્ય એજન્ટોના નંબરો વોટ્સએપ ચેટની વિગતો મળી આવી છે, તેમજ પુછપરછ દરમ્યાન BZ FINANCIAL SERVICES ની કુલ- 17 શાખાઓ જેમાં (૧) પ્રાંતિજ શાખા (૨) હિમંતનગર શાખા (૩) વિજાપુર શાખા (૪) પાલનપુર શાખા (૫) રાયગઢ શાખા (૬) ભીલોડા શાખા (૭) ખેડબ્રહ્મા શાખા (૮) ગાંધીનગર (૯) રણાસણ શાખા (૧૦) મોડાસા શાખા (૧૧) માલપુર શાખા (૧૨) લુણાવાડા શાખા (૧૩) ગોધરા શાખા  (૧૪) બાયડ શાખા (૧૫) વડોદરા શાખા (૧૬) ડુંગરપુર (રાજસ્થાન) (૧૭) રાજુલા (અમરેલી) ખાતે શાખાઓ ચાલુ કરી હતી. આ શાખાઓ મારફતે રોકાણકારો પાસેહી કરોડો રૂપિયા ઉઘરાવી લીધેલ હોવાની માહિતી મળી આવી છે, તેમજ આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ આશરે 17 થી 18 મિલ્કતો વસાવેલ હોવાની વિગત રીમાન્ડ દરમ્યાન જણાવેલ છે. આ ગુનાના આરોપીઓ અને તેઓના પરિવારની તેમજ આ સાથે સંકળાયેલ એજન્ટોની સ્થાવર અને જંગમ મિલ્કતો જેમાં શેર ક્રિપ્ટો કરન્સી બાબતેની હાલમાં તપાસ ચાલુ છે.

આરોપી મુખ્ય એજન્ટ મયુર દરજી ₹ 4 કરોડથી વધુ ઉઘરાવ્યા

BZ કૌભાંડ મામલે આરોપી મયુર દરજીની અરજી પર ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી જેમાં CID ક્રાઈમે જણાવ્યું હતું કે મુખ્ય એજન્ટ મયુર દરજીનાં SBI એકાઉન્ટમાં 20 લાખ 4 હજાર BZની માલપુર બ્રાન્ચમાં રૂપિયા ટ્રાન્સફર થયા હતા. તેના બીજા SBI એકાઉન્ટમાં 60 હજાર રૂપિયા BZનાં એકાઉન્ટમાં ગયા હતા. મયુર દરજીની માતા મીનાબેનના BOB એકાઉન્ટમાં 9 લાખની ટ્રાન્જેક્શન હિસ્ટ્રી મળી આવી છે. આરોપી મુખ્ય એજન્ટ મયુર દરજીના બેંક એકાઉન્ટમાંથી ₹.29.64 લાખથી વધુની હેરફેર થઇ છે. સર્ચ દરમિયાન આરોપી મુખ્ય એજન્ટ મયુર દરજી ₹.4 કરોડથી વધુ ઉઘરાવ્યા હોય તેવા રેકોર્ડ પોલીસને હાથ લાગ્યો છે. અન્ય પરિજનોનાં કહેવાથી ₹.9.90 લાખની પણ ટ્રાન્જેક્શન હિસ્ટ્રી મળી છે. જુદા જુદા 3 ચેક મારફતે 29.60 લાખ રૂપિયાની ઉપાડ પણ CID ક્રાઈમની તપાસમાં સામે આવી છે. મયુર દરજીના એકાઉન્ટ અને રોકડ તરીકે અત્યાર સુધી 59 લાખ 24 હજાર રૂપિયાની હેરફેર મળી આવી છે. મયુર દરજી અને તેના પિતા પાસે રહેલી લક્ઝુરિયસ ગાડી મામલે પણ સરકારી વકીલે સવાલ ઉઠાવ્યા હતા. કોઈપણ જાતની સોર્સ ઓફ ઇન્કમ બતાવ્યા વિના વપરાતી ગાડી મામલે દલીલો થઇ હતી.

સામાન્ય પગારમાં નોકરી કરતા કર્મચારીઓના ખાતામાં લાખોનું ટ્રાન્જેક્શન

BZ ગ્રુપની ઓફિસમાં કામ કરતા અને સામાન્ય પગાર ધરાવતા સફાઈકર્મી અને પટાવાળાની તપાસ અને પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. વિવિધ 6 લોકોના રોલ અને તેમની સાથે સંકળાયેલી વિગતો સામે આવી હતી.

1) રાહુલ રાઠોડ... જેનો દર મહિને 10 હજાર રૂપિયા પગાર હતો. તેના બેંક ખાતામાં અત્યાર સુધી 10,91,472 અને રોકડ વ્યવહારમાં 17.40 લાખની હિસ્ટ્રી મળી આવી છે.

2) વિશાલ ઝાલા... જેનો 12 હજાર 500 રૂપિયા પગાર હતો. વિશાલના ખાતામાં 19,77,676 અને 19 કરોડથી વધુની રોકડ વ્યવહાર મળી આવી છે. આ ઉપરાંત 1 કરોડ 85 લાખનું આંગડિયું પણ મળી આવ્યું છે.

3) રણવીર ચૌહાણ... જેમનો 12 હજાર રૂપિયા પગાર હતો. છેલ્લા 4 મહિનાથી તે કંપનીમાં જોડાયેલો છે. તેના બેન્ક એકાઉન્ટમાંથી 13,35,000 લાખનું ટ્રાન્જેક્શન મળી આવ્યું છે.

4) સંજય પરમાર... જેનો 7 હજાર રૂપિયા પગાર હતો. તે છેલ્લા 8 મહિનાથી સફાઈકર્મી તરીકે નોકરી કરે છે. સંજયના બેંકમાં 4,54,000 ઉપરાંત 1 કરોડ 56 લાખ રોકડ અને 60 લાખનું આંગડિયું મળી આવ્યું છે.

5) દિલીપ સોલંકી... જેનો 10 હજાર રૂપિયા પગાર હતો. તે છેલ્લા 8 મહિનાથી પટાવાળા તરીકે નોકરી કરે છે. દિલીપ સોલંકીના ખાતામાં 10,072 અને 1 કરોડ 20 લાખની રોકડ વ્યવહાર મળી આવી છે.

6) આશિક ભરથરી... જેનો 7 હજાર રૂપિયા પગાર હતો. તે સફાઈનું કામ કરે છે. આશિક ભરથરીના બેંકમાં 8400 અને 44,98,000 રોકડ વ્યવહાર અને 8,04,620 આંગડિયાની વ્યવહાર મળી આવી છે.

ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે એક જ લાયસન્સ

ગુજરાતમાં 6000 કરોડનું કૌભાંડ આચરનારા BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અમદાવાદ ગ્રામ્યમાં આગોતરા જામીન અરજી કરી હતી. જો કે અમદાવાદ ગ્રામ્યમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન નામંજૂર કરવામાં આવી છે. દલીલો દરમિયાન સરકારી વકીલે જણાવ્યું કે BZના CEO કોઇ પણ પ્રકારના લાઈસન્સ ધરાવતા નથીં. ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે માત્ર નાણાં ધિરનારનું જ એકમાત્ર લાઇસન્સ જ છે. આ લાઈસન્સ પણ માત્ર સાબરકાંઠાના તલોદ પૂરતું જ સીમિત છે. નાણાં ધીરનારમાં માત્ર નાણાં આપી શકે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કોઇ પણ લાઇસન્સ કે પરમિશન વગર 11 કંપનીઓ ઊભી કરી છે અને રોકાણકારો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. રોકાણ કરાવવા માટે એજન્ટોની પણ નિમણૂક કરવામાં આવી હતી.

આ એજન્ટોને BZ ગ્રુપ દ્વારા વિદેશની ટૂર, દેશમાં પ્રવાસનું પેમેન્ટ, વૈભવી કારની લાલચ, આઇફોન જેવી વસ્તુઓ કમિશન પેટે ગિફ્ટમાં આપી રોકાણકારોને વધુ આકર્ષવા માટે પ્રભાવિત કર્યા છે. રોકાણકારોને રાષ્ટ્રીયકૃત બેન્કો કરતા વધારે વ્યાજ આપવાની લાલચ આપવામાં આવતી હતી. 7 થી 18% વ્યાજ આપવાની લોભામણી જાહેરાત કરીને રોકાણકારોને વિશ્વાસમાં લેવામાં આવતા હતા.

આ સમાચાર શેર કરો