VIDEO: ચૂંટણી પર આફતનું વાદળ! બોટાદના ખેડૂત સંગઠનોની ચીમકી,''જો સહાય નહીં મળે તો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભોગવવું પડશે પરિણામ''
VIDEO: બોટાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગતરોજ (19 માર્ચ) સાંજના સમયે હવામાનમાં અચાનક આવેલા પલટાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, જિલ્લાભરમાં મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ (માવઠું) ત્રાટક્યું હતું.
બોટાદ જિલ્લા સહિત શહેરમાં ખાબકેલા અતિ ભારે પવન અને ગાજવીજ સાથે પડેલા આ વરસાદે ચૈત્ર મહિનામાં અષાઢ જેવો માહોલ સર્જી દીધો હતો, જે ખેડૂતો માટે પડ્યા પર પાટા સમાન સાબિત થયો છે. ખેતરમાં લણણીના સમયે જ આવેલી આ આફતે ખેડૂતોના હાથમાં આવેલો પાક છીનવી લીધો છે.
50 ટકા જેટલું મસમોટું નુકસાન
ખેડૂતોએ આખું વર્ષ મહામહેનત કરી, ઊંચા ભાવના બિયારણ, ખાતર અને મજૂરી ખર્ચ કરીને ઘઉં, ચણા, જીરું, વરિયાળી અને કપાસ જેવા પાકોનું વાવેતર કર્યું હતું. પાક હવે તૈયાર હતો અને લણણીની છેલ્લી ઘડીઓ ચાલી રહી હતી, ત્યારે જ કુદરતે રૂઠ્યો હોય તેમ માવઠું પડ્યું. પ્રાથમિક અંદાજ મુજબ, જિલ્લાના મોટાભાગના ખેતરોમાં કુલ નીપજના 50% જેટલું ભારે નુકસાન થયું છે. ભારે પવનને કારણે ઉભો પાક જમીન પર ઢળી પડ્યો છે, જેનાથી પાકની ગુણવત્તામાં મોટો ઘટાડો થયો છે. ઘણા ખેડૂતોનો પાક બિલકુલ પલળી જવાને કારણે કોહવાઈ ગયો છે, જેનાથી તેમને મસમોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
દેવાના ડુંગર અને ભવિષ્યની ચિંતા
આ આફતને પગલે બોટાદ જિલ્લાના ખેડૂતો ભારે ચિંતામાં ગરકાવ થયા છે. મોટાભાગના ખેડૂતોએ બેંક લોન અથવા માર્કેટમાંથી ઊંચા વ્યાજે પૈસા લાવીને વાવેતર કર્યું હતું. હવે પાક નિષ્ફળ જતાં તેઓ દેણામાં ડૂબી ગયા છે. સૌથી મોટી ચિંતા એ છે કે, આગામી સીઝનમાં ખેતી કરવા માટે તેમની પાસે બિયારણ કે ખાતર ખરીદવાના પણ નાણાં નથી. ખેડૂતો હવે હતાશામાં છે અને સરકાર તરફથી વહેલી તકે યોગ્ય વળતર અને સહાયની માંગ કરી રહ્યા છે, જેથી તેઓ ફરી બેઠા થઈ શકે.
રાજકીય ગરમાવો અને ચૂંટણી પર અસર
ખેડૂત સંગઠનોના અગ્રણીઓએ આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી છે. તેમણે બોટાદ જિલ્લામાં રવિ અને બાગાયતી પાકોમાં થયેલા નુકસાનનો તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરવાની માંગ કરી છે. ખેડૂત નેતાઓએ ચીમકી ઉચ્ચારી છે કે, જો સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં યોગ્ય કાર્યવાહી અને આર્થિક સહાય જાહેર કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તેની ગંભીર અસર જોવા મળશે. ખેડૂતોનો રોષ આગામી ચૂંટણીના પરિણામો બદલી શકે છે તેવો સ્પષ્ટ સંકેત સંગઠનો દ્વારા આપવામાં આવ્યો છે.

