મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabadમાં જનતાનો મિજાજ ગરમ: મત માંગવા ગયેલા ભાજપ કાર્યકરને ઝીંકાયા લાફા, અનેક વિસ્તારોમાં રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીનો જંગ જામ્યો છે, પરંતુ પ્રચાર માટે નીકળેલા રાજકીય પક્ષોને

Ahmedabadમાં જનતાનો મિજાજ ગરમ: મત માંગવા ગયેલા ભાજપ કાર્યકરને ઝીંકાયા લાફા, અનેક વિસ્તારોમાં રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધ
આ સમાચાર સાંભળો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીનો જંગ જામ્યો છે, પરંતુ પ્રચાર માટે નીકળેલા રાજકીય પક્ષોને જનતાના ઉગ્ર આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વર્ષોથી વણઉકેલ્યા પ્રશ્નો અને નેતાઓની ગેરહાજરીને કારણે લોકોનો ગુસ્સો સાતમા આસમાને છે. આ રોષની સૌથી ગંભીર અસર સરસપુરના અશોક મિલની નવી ચાલીમાં જોવા મળી હતી. અહીં ઈન્ડિયા કોલોની વોર્ડની પેનલના સમર્થનમાં પ્રચાર કરવા ગયેલા ભાજપના 57 વર્ષીય કાર્યકર ધીરજભાઈ રાઠોડ અને અન્ય ઉમેદવારોને સ્થાનિક લોકોએ રોક્યા હતા. હસમુખ વોરા નામના વ્યક્તિએ 'અમારે ત્યાં પ્રચારમાં આવવાનું નથી' તેમ કહી કાર્યકરો સાથે ઝઘડો કર્યો હતો. મામલો એટલો બિચક્યો કે હસમુખ વોરાએ ધીરજભાઈનો કોલર પકડી તેમને બે-ત્રણ લાફા ઝીંકી દીધા હતા અને ધક્કો મારી નીચે પાડી દીધા હતા. આ હિંસક બનાવ અંગે શહેરકોટડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ દેખાતા હોવાનો સ્થાનિકોનો આરોપ

સ્થાનિકોનો આક્ષેપ છે કે ભાજપના નેતાઓ માત્ર ચૂંટણી વખતે જ મોટા વાયદાઓ કરવા આવે છે, પરંતુ પાંચ વર્ષ સુધી કોઈ ડોકાતું નથી. આવી જ સ્થિતિ શહેરના અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. અનિલ સ્ટાર્ચ મિલ વિસ્તારમાં જ્યારે ભાજપના ઉમેદવારો મત માંગવા પહોંચ્યા, ત્યારે રહીશોએ રોડ, ગટર અને પાણીના પ્રશ્નો મુદ્દે તેમને ઘેરાવો કરી 'ભાજપ હાય-હાય'ના સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થિતિ વણસતી જોઈ ઉમેદવારોએ પ્રચાર અધૂરો છોડીને ભાગવાની ફરજ પડી હતી. હાથીજણમાં પણ મહિલાઓએ ભાજપના ઉમેદવારો સામે હંગામો મચાવ્યો હતો. જ્યારે ભાજપના સમર્થકોએ દાદાગીરી કરવાનો પ્રયાસ કર્યો તો મહિલાઓએ તેમને આકરી ભાષામાં ખરીખોટી સંભળાવી હતી.

સત્તાધારી પક્ષ ઉપરાંત અન્ય પક્ષો અને અપક્ષો સામે પણ ભારે રોષ

માત્ર સત્તાધારી પક્ષ જ નહીં, પરંતુ અન્ય પક્ષો પણ જનતાના રડારમાં છે. લાંભામાં લોકોએ અપક્ષ ઉમેદવારને ભગાડી મૂક્યા હતા, જ્યારે દરિયાપુર અને શાહપુરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને મતદારોએ અણીયારા સવાલો કર્યા હતા. મતદાર યાદીમાંથી હજારો નામ કમી થઈ ગયા ત્યારે કોઈ મદદ ન મળી હોવાથી નારાજ થયેલા લોકોએ 'આપ'ના નેતાઓને ખખડાવ્યા હતા. બોડકદેવ, અસારવા અને ઘાટલોડિયા જેવા વિસ્તારોમાં પણ સ્થાનિક પ્રશ્નોને લઈને વિરોધની જ્વાળા યથાવત છે. અનેક સોસાયટીઓ અને ફ્લેટ્સમાં રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધના બેનરો લાગી ગયા છે, જેના કારણે ઉમેદવારો માટે હવે મતદારોનો સામનો કરવો લોઢાના ચણા ચાવવા સમાન બની ગયો છે.

આ સમાચાર શેર કરો