ભાજપની રાષ્ટ્રીય કારોબારીની આવતીકાલે બેઠક, ગુજરાત સહિત સંગઠનમાં થઈ શકે આ મોટા ફેરફાર
આવતી કાલે દિલ્હીમાં ભાજપની મહત્વની રાષ્ટ્રીય બેઠક યોજવા જઈ રહી છે. આ બેઠકમાં તમામ રાજ્યના બીજેપી પ્રદેશ અધ્યક્ષ તથા

આવતી કાલે દિલ્હીમાં ભાજપની મહત્વની રાષ્ટ્રીય બેઠક યોજવા જઈ રહી છે. આ બેઠકમાં તમામ રાજ્યના બીજેપી પ્રદેશ અધ્યક્ષ તથા સંગઠન મહામંત્રીઓને બોલાવવામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષની અધ્યક્ષતામાં આ બેઠક યોજાવા જઈ રહી છે.
ભાજપના સંગઠન પર્વની જાહેરાત થઈ શકે છે. દેશભરમાં ભાજપ નવા અભિયાન સાથે લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. 1 સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાન સાથે સંગઠન પર્વ જાહેર થાય એવી શક્યતા છે. ઓક્ટોબર મહિનામાં મંડળના અધ્યક્ષની નિયુક્તિ થશે.
જણાવી દઈએ કે ડિસેમ્બર સુધીમાં ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળે એવી શક્યતા છે. આ રાષ્ટ્રીય અધ્યક્ષની નવી ટીમ સાથે ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળશે. આજે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાની રાષ્ટ્રીય મહામંત્રીઓ સાથેની બેઠકમાં સંગઠન પર્વને આખરી ઓપ અપાઈ શકે છે.
જણાવી દઈએ કે 5 જુલાઈએ સારંગપુરમાં ભાજપની પ્રાદેશિક કારોબારીની બેઠક મળી હતી. સાળંગપુર ખાતે આયોજિત પ્રદેશ કારોબારી બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ , મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પિયુષ ગોયલ, કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ અને વિનોદભાઈ ચાવડા સહિત હોદ્દેદારો અને કારોબારી સભ્યો સહિત 1300થી વધુ હોદ્દેદારો અને કાર્યકરો બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા. કારોબારી બેઠક્માં હાજર તમામ કાર્યકર્તાઓના મોબાઇલ ફોન સાઇલેન્ટ કરીને સાઇડમાં મુકાવી દેવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પુરો થયો છે, મને જવાબદારીમાંથી મુક્ત કરવા માટે હાઇકમાન્ડને રજૂઆત કરી છે. મને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી કરો અને બીજા કોઇને જવાબદરી સોંપો,જે બધાને સાથે રાખીને ચાલે. મને કેન્દ્રની જવાબદારી મળી છે અને અહીં મારો કાર્યકાળ પુરો થાય છે. હવે આગામી સમયમાં નવા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે અને તેમના અધ્યક્ષ સ્થાને આગામી કારોબારી બેઠક મળશે.








