રાજ્ય સરકારની ટેક્સટાઈલ પોલિસી બાદ સુરત ભાજપના MLAએ કરી માગ, હીરા ઉદ્યોગ માટે નીતિ બનાવવા લખ્યો લેટર
રાજ્ય સરકાર દ્વારા ટેક્સટાઈલ ઉદ્યોગના વિકાસ માટે 5 વર્ષ માટે નવી ટેક્સટાઈલ નીતિ જાહેર કરવામાં આવી

રાજ્ય સરકાર દ્વારા ટેક્સટાઈલ ઉદ્યોગના વિકાસ માટે 5 વર્ષ માટે નવી ટેક્સટાઈલ નીતિ જાહેર કરવામાં આવી છે. ત્યારે આ જાહેરાતને ચોમેરથી વધાવી લેવામાં આવી છે. ત્યારે સુરતના વરાછા રોડ બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએ નવી ટેક્સટાઈલ પોલિસીનું સ્વાગત કરવાની સાથે સાથે નવી માગ કરવામાં આવી છે. કમાર કાનાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને હીરા ઉદ્યોગ માટે પણ કંઈક કરવાની માગ કરી છે.
કાનાણીએ લખ્યો પત્ર
કુમાર કાનાણીએ પત્રમાં લખ્યુ છે કે, હીરા ઉદ્યોગ મંદીના કારણે ખૂબ જ કપરા સમયનો સામનો કરી રહ્યો છે. ટેક્સટાઈલ ઉદ્યોગ પછી ગુજરાતમાં રોજગારી આપતો ઉદ્યોગ એટલે ડાયમંડ ઉદ્યો છે. હાલમાં હીરા ઉદ્યોગ ભયંકર મંદીના કારણે પીસાઈ રહ્યો છે. ઘણા યુનિટો બંધ થઈ ગયા છે. જેના કારણે હીરા ઉદ્યોગમાં કારીગરોનેછૂટા કરી દેવાનું પ્રમાણ ઘણું વધી ગયું છે. રત્નકલાકારોને બેકારીને કારણે હાલ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આત્મહત્યાના બનાવો વધ્યા
રત્નકલાકારો બાળકોની સ્કૂલ ફી અને પોતાના કુટુંબના ભરણપોષણ ન કરી શકવાના કારણે રોજ બરોજ આત્મહત્યા કરી રહ્યા છે. જેથી મૃતપ્રાય થવાને આરે આવેલા ડાયમંડ ઉદ્યોગને મંદીમાંથી બહાર લાવવા માટે જેવી રીતે ટેક્સટાઈલ ઉદ્યોગના વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા નવી પોલિસી જાહેર કરવામાં આવી છે તેવી જ રીતે ડાયમંડ ઉદ્યોગ માટે પોલિસી જાહેર કરવામાં આવે તેવી માગ છે.








