ભાજપમાં ભડકાના એંધાણ! અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી કર્યો મોટો ઘટસ્ફોટ
ગુજરાતમાં તાજેતરમાં જ લોકસભાની અને વિધાનસભા પેટા ચૂંટણી સમાપ્ત થઈ છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે માણાવદર વિધાનસ

ગુજરાતમાં તાજેતરમાં જ લોકસભાની અને વિધાનસભા પેટા ચૂંટણી સમાપ્ત થઈ છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલને પત્ર લખી મોટો ઘટસ્ફોટ કર્યો છે. જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાની ફરિયાદ કરી છે.
અરવિંદ લાડાણીએ પત્ર લખ્યું કે, 11 પોરબંદર લોકસભાની ચુંટણી તથા 85 માણાવદર વિધાનનસભાની ચૂંટણીમાં છેલ્લા દિવસોમાં ગુજરાત રાજ્યના માજી કેબીનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા તેમના દીકરા તથા તેમના પત્નીને આગળ રાખીને માણાવદર શહેરમાં તા. 04-05-2024 ના રોજ તેમની નુતન જીનીંગ ફેક્ટરીમાં તેમના નજીકમાં અંદાજે 700 થી 800 કાર્યકરોની સાંજે મીટીંગ બોલાવી ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયા તેમજ ધારાસભાના ઉમેદવાર તરીકે મારો નામ જોગ ઉપયોગ કરીને અમારી વિરુદ્ધ કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની હાકલ જવાહર ચાવડાના દીકરા રાજ ચાવડાએ કરી હતી. તેમજ તા. 06-05-2024 ના રોજ નુતન જીનીંગ ફેક્ટરીમાં વેપારી સંમેલન બોલાવ્યું હતું અને જમણવાર રાખ્યું હતું. તેમજ કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કરી મત આપવાની અપીલ જવાહરભાઇ ચાવડાના દીકરા રાજ ચાવડાએ કરી હતી.
કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની કરી હતી અપીલ
આ ઉપરાંત તા.07-04-2024 ના રોજ મતદાનના દિવસે જવાહરભાઇ ચાવડાના દીકરા રાજભાઇ ચાવડાએ માણાવદર-વંથલી-મેંદરડા તાલુકાના ગામડાઓમાં પ્રવાસ કરીને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરવા તેમના ટેકેદારો સાથે મેંદરડા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ધીરૂ કુંભાણી સાથે નીકળ્યા હતા અને મેંદરડા તાલુકાના પાંચ ગામડાઓમાં મે બુથ પાસે રૂબરૂ જોયા હતા. આ ઉપરાંત માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગોવિંદ સવસાણી, માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જગદીશ મારૂ તેમજ જુનાગઢ જીલ્લા પંચાયતના બાળવિકાસ સમીતીના અઘ્યક્ષ રીનાબેન હિતેષભાઇ મારડીયાના સસરા જીવાભાઈ કરશનભાઇ મારડીયા તથા માણાવદર શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી વિક્રમસિંહ મનુભા ચાવડાએ પણ ખુલ્લેઆમ ભારતીય જનતા પાર્ટીની વિરૂદ્ધમાં કામ કરી અને પક્ષને નુકશાન થાય તેવી પ્રવૃતિ કરી હતી.
લાડાણી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા
ગત વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી અને જવાહર ચાવડા ભાજપમાંથી સામસામે ચૂંટણી લડ્યા હતા. જેમાં જવાહર ચાવડાનો કારમો પરાજય થયો હતો. જોકે, થોડા સમય પહેલા જ અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપે માણાવદરની પેટાચૂંટણીમાં અરવિંદ લાડાણીને ટિકિટ આપી છે. જણાવી દઈએ કે, અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા ત્યારથી જ જવાહર ચાવડાની નારાજગી સામે આવી હતી.






