મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રિલના ચક્કરમાં રિયલ લાઈફ ગુમાવી! જેતપુર નજીક 150ની ઝડપે દોડતી કારનો અકસ્માત, બે યુવકના મોત, એક ઈજાગ્રસ્ત

VIDEO: રાજકોટ-પોરબંદર હાઈવે પર જેતપુર નજીક આવેલી પેઢલા ચોકડી પાસે આજે એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દ

તસવીર: GSTV

VIDEO: રાજકોટ-પોરબંદર હાઈવે પર જેતપુર નજીક આવેલી પેઢલા ચોકડી પાસે આજે એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈને અનેક ગોથા ખાઈ જતા કારમાં સવાર ત્રણ યુવાનો પૈકી બેના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે એક ઇજાગ્રસ્ત યુવકની સારવાર ચાલી રહી છે. 

જાણો આખો મામલો

પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત એટલો ભયાનક હતો કે કાર 150 કિમી પ્રતિ કલાકની ઝડપે હોવાનું મનાઈ રહ્યું છે. બેકાબૂ બનેલી કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ રોડ પર ફંગોળાઈ હતી. આ અકસ્માતમાં 20 વર્ષીય અવધ અરવિંદભાઈ તિવારી નામના યુવકનું ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત દેવરાજ જયેશભાઈ ગોસાઈ (ઉ.વ. ૨૦) એ જૂનાગઢ ખાતે સારવાર દરમિયાન દમ તોડ્યો છે. અચાનક બનેલી આ ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

ઈન્સ્ટાગ્રામ સ્ટોરી અને જોખમી સ્ટંટ
આ અકસ્માતમાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, અકસ્માત સર્જાયાના થોડા સમય પહેલા જ આ યુવાનોએ પોતાની કાર પૂરપાટ ઝડપે ચલાવતી હોવાની સ્ટોરી ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી હતી. સોશિયલ મીડિયા પર ફેમસ થવાના અને રફ્તારના શોખમાં યુવાનોએ પોતાની જિંદગી જોખમમાં મૂકી હતી, જે અંતે જીવલેણ સાબિત થઈ.

ઈજાગ્રસ્તોની હાલત
કારમાં સવાર અન્ય બે યુવાનો દેવરાજ જયેશભાઈ ગોસાઈ (ઉ.વ. 20) અને અક્ષય પ્રવીણભાઈ વાઘેલા (ઉ.વ. 20)ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત દેવરાજ જયેશભાઈ ગોસાઈ (ઉ.વ. ૨૦) એ જૂનાગઢ ખાતે સારવાર દરમિયાન દમ તોડ્યો છે. 

પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ જેતપુર ઉદ્યોગનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. હાઈવે પરની દીવાલ અને ડિવાઈડરને અથડાઈને કારનો બુકડો બોલી ગયો છે, જે અકસ્માતની ભયાનકતા દર્શાવે છે.

આ સમાચાર શેર કરો