અમદાવાદ: નશાબંધી વિભાગમાં મોટું કૌભાંડ! લિકર પરમિટધારકોના 1.80 લાખ ચાંઉ કરનાર 3 કર્મીઓ સામે ફરિયાદ
Ahmedabad: ગુજરાતમાં

Ahmedabad: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે અમદાવાદના નશાબંધી અને આબકારી વિભાગમાં જ ભ્રષ્ટાચારનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લિકર પરમિટ રીન્યુ કરવા અથવા નવી મેળવવા આવતા અરજદારો પાસેથી મેળવેલી રોકડ રકમ સરકારી ખાતામાં જમા કરાવવાને બદલે અધિકારીઓએ પોતે જ વાપરી નાખી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ત્રણ કર્મચારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ઉચાપતની મોડસ ઓપરેન્ડી
ગઈ 1 જાન્યુઆરી, 2026થી અત્યાર સુધીના સમયગાળા દરમિયાન કુલ 9 લિકર પરમિટધારકો પાસેથી રોગી કલ્યાણ સમિતિની ફી પેટે રકમ ઉઘરાવવામાં આવી હતી. પ્રત્યેક અરજદાર પાસેથી 20,૦૦૦ લેખે કુલ 1,80,000ની રકમ નશાબંધી ખાતાના કર્મચારીઓએ રોકડમાં સ્વીકારી હતી. સરકારી નિયમ મુજબ આ રકમ ખાતામાં જમા કરાવવાની હોય છે, પરંતુ આ ટોળકીએ સરકારી નાણાંની ઉચાપત કરીને આ રકમ ચાંઉ કરી લીધી હતી.
કોની સામે નોંધાઈ ફરિયાદ?
વિભાગ દ્વારા કરવામાં આવેલી આંતરિક તપાસમાં ભાંડો ફૂટતા શાહીબાગ પોલીસે નીચે મુજબના ત્રણ શખસો સામે ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે:
1. કરશન વાઘેલા (સિનિયર ક્લાર્ક)
2. નવીન ડાભી (આઉટસોર્સ કર્મચારી)
3. વસંત નિનામા (આઉટસોર્સ કર્મચારી)
પોલીસ કાર્યવાહી
શાહીબાગ પોલીસના જણાવ્યા અનુસાર, આ ત્રણેય આરોપીઓએ છેલ્લા ત્રણ મહિનામાં પદ્ધતિસર રીતે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું છે. હાલમાં પોલીસ અધિકારીઓ કરશન વાઘેલા અને તેના સાથીદારોની કડક પૂછપરછ કરી રહ્યા છે. આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા અધિકારીઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે.






