Bhavnagar/ નિરમાના ફિલ્ડ ઓફિસરને સ્ટોક માર્કેટના નામે 1.01 કરોડનો ચૂનો લગાવવાના કેસમાં વધુ એક શખ્સ ઝડપાયો!

ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસે સ્ટોક માર્કેટમાં વધુ નફાની લાલચ આપીને નિરમા કંપનીના એક ફિલ્ડ ઓફિસર સાથે ₹1,01,90,000ની છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરનાર વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે.
સેબીના બનાવટી સર્ટીથી રોકાણના નામે ઠગાઈ
મૂળ સુરતના વતની અને હાલ ભાવનગરના તળાજા રોડ પર રહેતા અજયભાઈ જસવંતભાઈ પટેલ, જે નિરમા કંપનીમાં ફિલ્ડ ઓફિસર તરીકે ફરજ બજાવે છે, તેઓ આ ઠગાઈનો ભોગ બન્યા હતા. અજાણ્યા શખ્સોએ તેમને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને સેબી (SEBI)નું બનાવટી સર્ટિફિકેટ મોકલીને વિશ્વાસમાં લીધા હતા. આઇપીઓ (IPO) અને સ્ટોક માર્કેટમાં રોકાણ કરીને મોટો પ્રોફિટ આપવાના બહાને અજયભાઈ પાસેથી કુલ ₹1,01,90,000ની રકમ અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લેવામાં આવી હતી.
કૌભાંડમાં સંડોવાયેલો ચોથો આરોપી ઝડપાયો
આ ગુન્હામાં સાયબર ક્રાઇમ પોલીસે અગાઉ કલા માલાભાઇ રાજપુત (સુઇગામ), સલીમ ઉસ્માનમીયા શેખ (વિસનગર), અને અભીષેક ત્રીભોવનભાઇ કુકડિયા (સાયલા)ને ઝડપી પાડ્યા હતા, જે હાલ જેલમાં છે.
તાજેતરમાં, ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા વધુ એક આરોપી બ્રિજેશ શૈલેષભાઇ પટ્ટણી (રહે. સાયલા, સુરેન્દ્રનગર) ને ઝડપી લીધો છે. કોર્ટમાં રજૂ કરતાં, કોર્ટે બ્રિજેશ પટ્ટણીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે રિમાન્ડ દરમિયાન આ કૌભાંડના અન્ય સૂત્રધારો અને નાણાંના ટ્રાન્ઝેક્શન અંગે વધુ ઊંડી તપાસ કરશે.

