ભાવનગરમાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા: ધોળા દિવસે યુવક પર હુમલો અને હત્યા, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Bhavnagar news: ભાવનગર શહેરમાં જાણે ગુનેગારોને પોલીસનો ડર ન રહ્યો હોય તેમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. શહેરના ભરચક ગણાતા દરબારી કોઠાર વિસ્તારમાં આજે ધોળા દિવસે એક યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
જાણો આખો મામલો
મળતી માહિતી મુજબ, દરબારી કોઠાર વિસ્તારમાં રહેતા હુસેન સલીમ પઠાણ નામના યુવક પર કેટલાક શખ્સોએ અચાનક હુમલો કર્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ હુમલો પૈસાની લેતીદેતીના જૂના વિવાદને કારણે કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હુસેનને લોહીલુહાણ હાલતમાં તરછોડીને નાસી છૂટ્યા હતા.
હોસ્પિટલમાં સારવાર અને મોત
ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક ભાવનગરની સરટી (Sir T) હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા જ હોસ્પિટલ પરિસરમાં મૃતકના પરિવારજનો અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોલીસે હાલ હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

