VIDEO: એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ: હાંસોટના ઈલાવ અને સાહોલ સહિતના ગામોમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતાતુર
VIDEO: દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલા અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં આજે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. ફેબ્રુઆરી મહિનાના મધ્યમાં વહેલી સવારથી જ આકાશ વાદળછાયું બન્યું હતું અને ત્યારબાદ કમોસમી વરસાદ (માવઠું) વરસતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ અણધાર્યા વરસાદને કારણે ખેડૂતોમાં પોતાના ઊભા પાકને લઈને ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ગામડાઓમાં વરસાદી માહોલ
હાંસોટ તાલુકાના ઈલાવ, સાહોલ, બાલોતા, સુણેવ, ઓભા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી ઝાપટાં નોંધાયા હતા. અંકલેશ્વર તાલુકામાં પણ છૂટાછવાયા વરસાદના કારણે રસ્તાઓ ભીના થયા હતા. સવારે કડકડતી ઠંડી, બપોરે ગરમી અને ત્યારબાદ વરસાદી માહોલ સર્જાતા સ્થાનિકોએ એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ કર્યો હતો.
ખેતી અને આરોગ્ય પર અસર
ખેડૂતોના જણાવ્યા મુજબ, હાલના સમયે રવી પાક તૈયાર થઈ રહ્યો છે ત્યારે જ પડેલા આ માવઠાને કારણે જીવાત પડવાની અને પાક ખરી પડવાની શક્યતા છે, જે આર્થિક નુકસાન પહોંચાડી શકે છે. બીજી તરફ, વાતાવરણમાં આવેલા આ મોટા ઉતાર-ચઢાવને કારણે શરદી, ઉધરસ અને તાવ જેવી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વધવાની શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.

