VIDEO: જાહેર માર્ગ પર ખુલ્લી તલવાર સાથે વીડિયો વાયરલ: ભરૂચમાં નશામાં ધૂત યુવકે ભય ફેલાવ્યો, એ ડિવિઝન પોલીસે દબોચ્યો
VIDEO: ગુજરાતની ઔદ્યોગિક નગરી ભરૂચના હાર્દ સમાન ત્રિમૂર્તિ હોલ વિસ્તારમાં ગત રોજ એક યુવકે નશાની હાલતમાં ખુલ્લી તલવાર લહેરાવી ભારે આતંક મચાવ્યો હતો. જાહેર માર્ગ પર હાથમાં તલવાર લઈ લોકોને ધમકાવતા અને અપશબ્દો બોલતા આ યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરી લીધી છે.
શું છે સમગ્ર ઘટના?
ભરૂચના ત્રિમૂર્તિ હોલ નજીક એક યુવક નશામાં ધૂત થઈને હાથમાં ખુલ્લી તલવાર સાથે જોવા મળ્યો હતો. આ યુવક જાહેર માર્ગ પર ફરી રહ્યો હતો અને કોઈ કારણ વગર અપશબ્દો બોલી રહ્યો હતો, જેના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. આસપાસના લોકોએ આ સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી.
પોલીસની ઝડપી કાર્યવાહી
તલવાર અને અપશબ્દો બોલતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભરૂચ એ ડિવિઝન પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ શખ્સને શોધી કાઢ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાહેર શાંતિનો ભંગ કરવા અને હથિયારબંધીના જાહેરનામાના ઉલ્લંઘન બદલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

