VIDEO: અંકલેશ્વરના જીતાલી ગ્રામ્ય વિસ્તારમાં આગની ઘટના, ફાયરની 3 ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગ કાબૂ કરી
VIDEO: ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા એવા અંકલેશ્વરમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. અંકલેશ્વરનાં જીતાલી ગ્રામ્ય વિસ્તારમાં આવેલી એક ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બપોરના સમયે મંડપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધૂમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.
અચાનક ભભૂકી આગ
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લામાં આવેલા અંકલેશ્વરના જીતાલી વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 'ચામુંડા મંડપ'નું ગોડાઉન આવેલું છે. આ ગોડાઉનમાં રાખવામાં આવેલા લાકડાના બામ્બુ અને મંડપના સામાનના ઢગલામાં બપોરના સમયે અચાનક જ આગ લાગી હતી. લાકડાના જથ્થાને કારણે આગ પળવારમાં પ્રસરી ગઈ હતી અને આખું ગોડાઉન આગની લપેટમાં આવી ગયું હતું. આગને પગલે આસપાસનાં વિસ્તારના લોકો અને કામદારોમાં દોડધામ મચી ગઈ હતી.
ફાયર ફાઈટરોની કામગીરી
આગ અંગેની ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર ડીપીએમસી (DPMC)ના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગની કુલ 3 જેટલી ગાડીઓએ પાણીનો સતત મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગનું કારણ હજુ અકબંધ
આ ભીષણ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ સત્તાવાર કારણ તપાસ બાદ જ બહાર આવશે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ગોડાઉનમાં રાખેલો સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.

