સુરતમાં બેંક કર્મીએ ઝાડ સાથે દોરી બાંધી ખાધો ફાંસો, સુસાઈડ નોટમાં લખ્યું દેવું વધી જતાં ભર્યુ પગલું
સુરતના ઉતરાણ વિસ્તારમા બેંક કર્મચારીએ જાંબુડાની ડાળ સાથે દોરી બાંધી ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધુ છે.

સુરતના ઉતરાણ વિસ્તારમા બેંક કર્મચારીએ જાંબુડાની ડાળ સાથે દોરી બાંધી ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધુ છે. બેંક કર્મચારીએ ગુજરાતીમાં લખેલી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં લખ્યું કે, મારાથી ભૂલ થઈ ગઈ છે અને હું લેણામાં આવી આ પગલું ભરું છું. બેંક કર્મીના આપઘાતના પગલે પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
મિસિંગ ફરિયાદ દાખલ
મોટા વરાછા વિસ્તારમાં રહેતા હાર્દિક નારણભાઈ લુખીએ આપઘાત કરી લીધો હતો. તેને પરિવારમાં પત્ની અને બે વર્ષની દીકરી છે. હાર્દિક અડાજણ ખાતે આવેલી એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્કમાં લોન ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. ગત આઠ ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે ઘરેથી બેંક પર નોકરી પર જવાનું કહી નીકળી ગયો હતો. જોકે સાંજ થવા છતાં પણ પરત ફર્યો ન હોવાથી પરિવારજનો દ્વારા શોધખોળ હાથ કરવામાં આવી હતી. પરિવારજનોએ તેમજ સગા સંબંધીઓએ શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ એનો પત્તો લાગ્યો ન હતો. જેથી ગઈકાલે સવારના સમયે પરિવારજનોએ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ દાખલ કરી હતી.
મૃતદેહ પીએમ માટે ખસેડાયો
પરિવારજનો શોધખોળ કરી રહ્યાં હતાં, જેમાં અબ્રામા બંગાળ કેનાલ પાસે વિતરણ બંગલોઝની બાજુમાં આવેલ દાદા ભગવાનના મંદિર સામે જાંબુડાના ડાળની જાળી સાથે નાયલોનની દોરી બાંધી હાર્દિક ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી પોલીસને જ જાણ કરવામાં આવતા સ્થળ પર પહોંચી હતી. પોલીસે હાર્દિકનો મૃતદેહ લટકતી હાલતમાંથી નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ પોલીસે હાર્દિકનો મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે તપાસ કરતા હાર્દિક પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી. મારાથી ભૂલ થઈ ગઈ છે, હું લેણામાં આવી આ પગલું ભરું છું તે સહિતની એક પાનાની ગુજરાતીમાં સુસાઇડ નોટ લખેલી હતી.







