VIDEO: કડકતી ઠંડીમાં બનાસ નદીના પાણી ખૂંદતા ભૂલકાંઓ, નેતાઓના પોકળ વાયદાઓ સામે કાકવાડાના ગ્રામજનોનો કલેક્ટર કચેરીએ હોબાળો
VIDEO: આઝાદીના દાયકાઓ પછી પણ બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારના બાળકો અને ગ્રામજનો પ્રાથમિક સુવિધા માટે વલખાં મારી રહ્યા છે. અમીરગઢ તાલુકાના કાકવાડા ગામમાં બનાસ નદી પર બ્રિજ ન હોવાને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓની હાલત અત્યંત દયનીય બની છે. તંત્રના વારંવારના વાયદાઓથી કંટાળીને આજે મોટી સંખ્યામાં સ્થાનિકો બેનરો અને સૂત્રોચ્ચાર સાથે પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.
ઠંડીમાં થીજવતું પાણી અને ભણતરની જંગ
શિયાળાની કાતિલ ઠંડીમાં જ્યારે લોકો ઘરોમાં પૂરાઈ રહે છે, ત્યારે કાકવાડા શાળામાં આવતા નાના ભૂલકાંઓ બનાસ નદીના થીજવી દેતા ઠંડા પાણીમાંથી પસાર થઈને શાળાએ જવા મજબૂર બન્યા છે. વાલીઓનો આરોપ છે કે, વરસાદમાં તો નદીના પૂરને કારણે જીવનું જોખમ રહે છે, પરંતુ અત્યારે ઠંડીમાં પાણીમાંથી પસાર થવાને કારણે બાળકો બીમાર પડી રહ્યા છે. શિક્ષણનો અધિકાર આપતી સરકાર શું આ બાળકોની વેદના જોઈ શકતી નથી? તેવો સવાલ વાલીઓએ ઉઠાવ્યો છે.
માર્ગ અને મકાન વિભાગના 'ઠાગાઠૈયા'
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બનાસ નદી પર પુલ બનાવવા માટે અગાઉ અનેકવાર માર્ગ અને મકાન વિભાગને રજૂઆતો કરવામાં આવી છે. અધિકારીઓ દર વખતે 'પ્રોસેસમાં છે' અથવા 'ટૂંક સમયમાં મંજૂરી મળશે' તેવા પોકળ આશ્વાસનો આપે છે. લાંબા સમયની ધીરજ ખૂટતા ગ્રામજનોએ ગઈકાલે નદીકિનારે રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો અને આજે કલેક્ટર કચેરી ખાતે પોતાની વ્યથા ઠાલવવા ઉમટી પડ્યા હતા.
રાજકીય રોટલા શેકાયા પણ પુલ ન બન્યો
કાકવાડાના ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓનું કહેવું છે કે ચૂંટણી સમયે નેતાઓ વોટ માંગવા આવે ત્યારે 'પુલ બની જશે' ના વાયદાઓ કરે છે, પરંતુ ચૂંટણી પૂરી થતા જ નેતાઓ દેખાતા બંધ થઈ જાય છે. છેલ્લા 20 વર્ષથી આ રાજકીય કાવાદાવાઓ વચ્ચે બાળકોનું શિક્ષણ અને ગ્રામજનોની સુવિધા પીસાઈ રહી છે.

