VIDEO: કાંકરેજ ધારાસભ્યની મામલતદારને ચીમકી: પુરાવા વગર નામ કમી કરવાના ફોર્મ-7 સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
VIDEO: બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં મતદાર યાદીને લઈને વિવાદ ઉભો થયો છે. પુરાવા વગર મતદાર નામ કમી કરવા માટે નમૂના નંબર-7 રજૂ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરતા કાંકરેજના કોંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે શિહોરી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.
બનાસકાંઠાના શિહોરી સ્થિત મામલતદાર કચેરી ખાતે આજે કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોરની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. મતદાર યાદીમાં નામ કમી કરવા માટે કોઈપણ પ્રકારના પુરાવા વગર નમૂના નંબર-7 રજૂ કરાયા હોવાનો આક્ષેપ કરી મામલતદારને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું.
આ રજૂઆત દરમિયાન કાંકરેજ અને ઑગડ તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, સેલ અને ફ્રન્ટલના આગેવાનો, થરા શહેર સંગઠનના કાર્યકરો તેમજ વરિષ્ઠ અને યુવા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, આ રીતે મતદાર યાદીમાં ગેરરીતિ કરવી લોકશાહી પર સીધો હુમલો છે અને તેની યોગ્ય તપાસ થવી જોઈએ.
મતદાર યાદીમાંથી ગેરરીતે નામ કમી કરવાની પ્રક્રિયા સામે બનાસકાંઠામાં કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો છે. હવે મામલતદાર કચેરી અને તંત્ર આ મામલે શું પગલાં લે છે, તેના પર સૌની નજર રહેશે.

