VIDEO: ગુજરાતી ફિલ્મોના અભિનેતા વિક્રમ ઠાકોરે બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારની ગૌશાળાઓમાં ઘાસચારાની વ્યવસ્થા કરી
VIDEO: બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં ખાબકેલા મૂશળધાર વરસાદ બાદ પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. જે બાદ વિવિધ વિસ્તારમાં લોકોને અને ઢોર-ઢાંખરને હાલાકી વેઠવાની નોબત આવી હતી. 15 દિવસ થવા આવ્યા છતાં હજી ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. જેને લઈ આજે ગુજરાતી ફિલ્મોનો અભિનેતા વિક્રમ ઠાકોરે બનાસકાંઠા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમજ વાવના મોરીખા, ઉચપા. મોરવાડા તીર્થધામ સહિતની વિવિધ ગૌશાળાઓમાં લીલા ઘાસચારાની વ્યવસ્થા કરી હતી.
ગૌશાળામાં રહેલા મૂગા પશુઓને લીલો ઘાસચારો વિક્રમ ઠાકોર દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો. આવી વિકટ તેમજ કપરી પરિસ્થિતિમાં લીલા ઘાસ ચારાની પશુઓને તાતી જરૂરિયાત હતી. વિક્રમ ઠાકોરે આને લઈ જણાવ્યું કે, પૂરગ્રસ્ત વિસ્તારોમાં આવેલા ગૌશાળામાં ઘાસચારાની વ્યવસ્થા તો કરાઈ છે જો કે, હજીપણ વધુ જરૂર હશે તો હું બનતી તમામ મદદ કરીશ. આ પ્રસંગે ગામના સરપંચો સહિત ગામના આગેવાનો દ્વારા કલાકાર વિક્રમ ઠાકોરનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં અનેક જગ્યાએ પૂરના કારણે પશુઓ માટે ઘાસચારાની વિકટ પરિસ્થિતિ સર્જાઈ રહી છે.

