ઉત્તર ગુજરાતમાં પ્રવાસનને મળશે નવી ઉડાન, ડીસાના મેગા ઝૂ પ્રોજેક્ટને CZAની સૈદ્ધાંતિક મંજૂરી

ઉત્તર ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે નિર્માણ પામનાર એશિયાના પ્રથમ ‘ડેઝર્ટ થીમ’ ઝૂઓલૉજિકલ પાર્ક અને ‘ડ્રાઇવ-થ્રુ નાઇટ સફારી’ પ્રોજેક્ટને સેન્ટ્રલ ઝૂ ઑથોરિટી(CZA) તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. આ પ્રોજેક્ટ વન્યજીવ સંરક્ષણ અને ઈકો-ટુરિઝમને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ
જૂના ડીસા ખાતે આશરે 103 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો આ પ્રોજેક્ટ 542.14 કરોડના અંદાજિત ખર્ચે તૈયાર થશે. આ વિશ્વનું ત્રીજું ડેઝર્ટ-થીમ ઝૂ અને ચોથું નાઇટ સફારી ઝૂ બનશે. અહીં લગભગ 83 પ્રજાતિઓના આશરે 2700 દેશી અને વિદેશી પશુ-પક્ષીઓ રાખવામાં આવશે. સૂર્યાસ્ત પછી મુલાકાતીઓ ખાસ ડિઝાઇન કરેલા એન્ક્લોઝરમાં નિશાચર પ્રાણીઓને જોઈ શકશે. આ ઉપરાંત 'ડે ઝૂ', રેપ્ટાઇલ સફારી, રેઇન ફોરેસ્ટ બાયોમ અને અદ્યતન એકવેરિયમ મુખ્ય આકર્ષણ રહેશે.
કયા પ્રાણીઓ જોવા મળશે?
આ ઝૂમાં ભારતીય રણના પ્રાણીઓ જેવા કે ચિંકારા, કાળિયાર, ભારતીય ઘુડખર, એશિયાટીક સિંહ, દીપડા, રીંછ, કેરેકલ, ભારતીય વરુ અને ઝરખ જોવા મળશે. આ સાથે જ આફ્રિકન રણના એંગોલન જિરાફ, ગ્રેવીઝ ઝેબ્રા, બ્લેક રાઇનોસરોસ, ચિમ્પાન્ઝી, ફેનેક ફોક્સ તથા ઓસ્ટ્રેલિયન કાંગારું, એમુ અને વોલાબી પણ મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.
આધુનિક સુવિધાઓ અને ગ્રીન ટૅક્નોલૉજી
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આ ઝૂ એક આધુનિક સંરક્ષણ સુવિધા તરીકે વિકસાવવામાં આવશે. જેમાં પક્ષીઘર, બટરફ્લાય પાર્ક, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, ગોલ્ફ કાર્ટ સેવા અને ફૂડ કોર્ટ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. પર્યાવરણની જાળવણી માટે પ્રોજેક્ટમાં સોલર એનર્જી, વર્ષાજળ સંચય, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવી 'ગ્રીન ટૅક્નોલૉજી'નો ઉપયોગ કરવામાં આવશે.
ટુરિઝમ સર્કિટને મળશે વેગ
આ પ્રોજેક્ટ અંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલ સિંઘ અને બનાસકાંઠાના નાયબ વન સંરક્ષક પોપટરાવ ગારડીએ જણાવ્યું હતું કે, આ ઝૂ માત્ર વન્યજીવ સંરક્ષણ માટેનું કેન્દ્ર નહીં બને, પરંતુ વડનગર, અંબાજી અને નડાબેટ જેવા પ્રવાસન સ્થળો સાથે જોડાઈને ઉત્તર ગુજરાતની ટુરિઝમ સર્કિટ માટે એક ફ્લેગશિપ ડેસ્ટિનેશન સાબિત થશે.

