Video: અમીરગઢમાં પેટ્રોલ પંપ પર થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો

બનાસકાંઠાના અમીરગઢના બાલુન્દ્રા રોડ પર આવેલા ભગવતી પેટ્રોલપંપ પર ધનતેરસની રાત્રે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. આ કેસમાં રાજસ્થાનની કુખ્યાત સુરેશ નેકાજી ગરાસીયા ગેંગના બે સાગરીતો અને ત્રણ કિશોરો સહિત પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. ગત ૭ નવેમ્બરની રાત્રે મોઢે રૂમાલ બાંધીને આવેલા પાંચ શખ્સોએ હથિયારોની અણીએ પેટ્રોલપંપના કર્મચારી પાસેથી રોકડ અને મોબાઈલ લૂંટી લીધા હતા. આ ઘટનાની તપાસ હાથ ધરીને પોલીસે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની ઓળખ મેળવી હતી. પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડ રકમ, હથિયારો, બાઈક અને મોબાઈલ સહિત કુલ રૂપિયા ૧ લાખ ૫૬ હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે. આ કુખ્યાત ગેંગ અગાઉ ૩૩ કરતા વધુ લૂંટ અને ચોરીના ગુનાઓમાં સંડોવાયેલી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે તમામ આરોપીઓને અમીરગઢ પોલીસને સોંપી દીધા છે અને મુખ્ય સૂત્રધારની શોધખોળ હાથ ધરી છે.













