VIDEO: બનાસકાંઠામાં ઈતિહાસની સૌથી મોટી કાર્યવાહી ૧.૦૩ કરોડનો બિયરનો જથ્થો ઝડપાયો
સોર્સ : gstv
બનાસકાંઠામાં લોકલ ક્રાઈમ બ્રાંચે દારૂબંધીના મામલે અત્યાર સુધીની સૌથી મોટી સફળતા મેળવી છે. ડીસાના વિઠોદર ચાર રસ્તા પાસે પોલીસે બાતમીના આધારે એક શંકાસ્પદ ટ્રેલરને રોકી તપાસ કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. ટ્રેલરમાં ચોખાના ભુસાની આડમાં સંતાડેલી ૧૩૦૬ પેટી એટલે કે ૩૧,૩૪૪ બિયરના ટીન મળી આવ્યા હતા. પંજાબમાં નિર્મિત આ વિદેશી બિયરની કિંમત અંદાજે ૫૮.૫૮ લાખ રૂપિયા છે, જ્યારે ટ્રેલર સહિત કુલ ૧.૦૩ કરોડથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતો આ જથ્થો પકડી પાડી પોલીસે ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી સમગ્ર નેટવર્કને તોડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આટલી મોટી માત્રામાં બિયર ઝડપાતા જિલ્લાના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે, ત્યારે આ જથ્થો કોણે મંગાવ્યો હતો તે દિશામાં પોલીસ સઘન તપાસ કરી રહી છે.

