VIDEO: પેટલાદમાં મોટી હોનારત ટળી: સ્વામિનારાયણ મંદિરના રસોડામાં લાગી ભીષણ આગ, CCTV આવ્યા સામે
VIDEO: આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં આવેલા સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિરના રસોડા વિભાગમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, જેનાથી તંત્ર અને ભક્તોએ રાહતનો દમ લીધો છે.
ગૅસ સ્ટીમરમાં ભડકો થતા લાગી આગ
મળતી માહિતી મુજબ, મંદિરના રસોડામાં જ્યારે રસોઈની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે ગૅસ સ્ટીમરમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા મોટો ભડકો થયો હતો. જોતજોતામાં આગની જ્વાળાઓ પ્રસરી ગઈ હતી. આગ લાગતાની સાથે જ મંદિરમાં સેવામાં આવેલા ભક્તો અને રસોડાના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાને પગલે સમગ્ર મંદિર પરિસરમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
CCTV ફૂટેજ આવ્યા સામે
આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ગૅસ સ્ટીમરમાં થયેલો ભડકો અને ત્યારબાદ સર્જાયેલી અફરાતફરી સ્પષ્ટપણે જોઈ શકાય છે. આગની જાણ થતા જ પેટલાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ અથવા ગૅસ લીકેજને કારણે આ ભડકો થયો હોવાનું અનુમાન છે. સદનસીબે સમયસૂચકતા વાપરતા મોટી હોનારત ટળી છે.

