આણંદમાં પિતાએ લગ્ન ન કરાવતાં પુત્ર બન્યો હત્યારો, પુત્રીના નિકાહ પહેલા જ ઘરમાં છવાયો શોક

આણંદના બાકરોલ પ્રગતિનગર કોલોનીમાં પિતા-પુત્રના સંબંધને શરમાવે તેવી હત્યાની ઘટના સામે આવી છે. પુત્રએ પોતાના પિતાની કરપીણ હત્યા કરી દેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, કાલુમિયા બેલીમ નામના વ્યક્તિ પર તેમના જ પુત્ર આશિક મિયાએ હુમલો કર્યો હતો.
બહેનની નિકાહના બે દિવસ પહેલા ભાઈએ કરી હત્યા
પ્રાથમિક માહિતી અનુસાર, પિતા દ્વારા લગ્ન ન કરાવવામાં આવતા પુત્ર આશિક મિયા આવેશમાં આવ્યો હતો અને તેણે પિતા પર નિર્દયતાપૂર્વક હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કાલુમિયા બેલીમનું મોત થયું હતું. સૌથી કરુણ બાબત એ છે કે મૃતકની પુત્રીના નિકાહ માત્ર બે દિવસ બાદ થવાના હતા. ઘટનાને પગલે પરિવારની લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં વલ્લભ વિદ્યાનગર પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને કરમસદ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ હત્યા કયા કારણોસર કરવામાં આવી અને ઘટનાની સમગ્ર હકીકત શું છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી.
આરોપીની ધરપકડ
પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાના આરોપી પુત્ર આશિક મિયાની ધરપકડ કરી લીધી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આશિક મિયા વેઇટર તરીકે કામ કરતો હતો. પિતાની હત્યા બાદ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બહેનના નિકાહના બે દિવસ પહેલા જ પિતાની હત્યાની ઘટનાથી બાકરોલ વિસ્તાર સહિત સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ વલ્લભ વિદ્યાનગર પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

