ખેડા અને આણંદ જિલ્લામાં SIRનો બીજો તબક્કો, 63 ટકાથી વધુની કામગીરી પૂર્ણ

ચરોતરમાં મતદાર યાદી સુધારણાનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. આ તબક્કા અંતર્ગત 04 નવેમ્બર 2025થી 04 ડિસેમ્બર 2025 સુધી બી.એલ.ઓ. દ્વારા મતદારોના ઘરે ઘરે જઈને ગણતરી ફોર્મનું વિતરણ, ભરેલા ફોર્મ પરત મેળવવાની અને તેને ઓનલાઈન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ખેડા જિલ્લામાં એસઆઇઆરની 67 ટકા અને આણંદ જિલ્લામાં 62.69 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. જયારે શિક્ષણ કાર્યની સાથે મતદાર યાદીની કામગીરીથી બીએલઓ પર કામનું ભારણ વધ્યું છે.
ખેડા જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ જિલ્લામાં 16,55,062 મતદારોમાંથી, 25 નવેમ્બર સુધીમાં કુલ 12,50,383 ગણતરી ફોર્મ પરત મેળવવામાં આવ્યા છે. આ ફોર્મ પૈકી 11,08,82 ફોર્મને ઓનલાઈન પ્રક્રિયા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જે કુલ મતદારોના 67 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ છે. હજી પણ 1,41,531 ફોર્મ ઓનલાઈન પ્રક્રિયા માટે બાકી છે. જ્યારે કુલ 4,04,679 ફોર્મ મતદારો પાસેથી પરત મેળવવાના બાકી છે. ગણતરી ફોર્મ પરત આપવાની અને ડિઝિટાઇઝ્ડ કરવાની છેલ્લી તારીખ 04 ડિસેમ્બર 2025 છે.
આણંદ જિલ્લામાં વર્ષ2025ની ડ્રાફ્ટ મતદાર યાદીમાં રહેલા 18123278 મતદારો પૈકી 1136148 જેટલા મતદારોના ઇન્યુમરેશન ફોર્મ એકત્રિત થઈને ડિજિટાઈઝ થઈ ગયા છે. એટલે કે લગભગ 62.69 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. આ ૬૨.૬૯ ટકા કામગીરીમાં પણ, ૫૧ ટકા મતદારો એવા છે જેમની ૨૦૦૨ની મતદાર યાદી સાથે લિંક પણ થઈ ગયેલું છે.
ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, 4 ડિસેમ્બરની સમયમર્યાદા ધ્યાનમાં રાખીને, આણંદ જિલ્લામાં 29 અને 30મી તારીખે (શનિવાર અને રવિવારે) વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસ દરમિયાન, બીએલઓ તમારા વિસ્તારમાં આવીને એન્યુમરેશન ફોર્મ કલેક્ટ કરવાની કામગીરી કરશે. વધુમાં, ૨૯મી અને ૩૦મી તારીખે દરેક વિધાનસભા માટે દરેક તાલુકા સ્તર પર અલગ અલગ નિયત કરેલા સ્થળો ઉપર ટીમો ગોઠવવામાં આવશે. દરેક વિધાનસભામાં ઓછામાં ઓછી 10થી 12 ટીમો રહેશે, જેમાં મહેસૂલ અને પંચાયતની ટીમોનો સમાવેશ થાય છે. આ ટીમો શનિવાર (૨૯મી)ના રોજ બપોરે 12થી સાંજે 5 વાગ્યા સુધી અને રવિવાર (૩૦મી) ના રોજ સવારે ૧૦થી સાંજે ૫ વાગ્યા સુધી હાજર રહેશે.

