Anand news: અપહ્યુત યુવક-યુવતી અઝરબેજાનની ભારતીય એમ્બેસીમાં સુરક્ષિત, સાંસદ મિતેશ પટેલનું નિવેદન

આણંદના એક યુવતી અને એક યુવકને અજરબૈજાનમાં એજન્ટોએ બંધક બનાવતા સાંસદ મિતેષ પટેલ એક્શનમાં આવ્યા હતા. સાંસદે જણાવ્યું હતું કે બન્નેના પરિવારે મારો અંને મારા કાર્યાલયનો સંપર્ક કર્યો હતો, જે બાદ વિદેશ મંત્રાલયે સાંસદ સાથે આ અંગે વાતચીત કરી હતી. વિદેશ મંત્રાલયે ત્વરિત એક્શન લઇ અઝરબેજાનની ભારતીય એમ્બેસીને જાણ કરતા બન્નેને સુરક્ષિત એમ્બેસીમાં લઇ જવાયા છે. હાલ બન્ને સુરક્ષિત હોવાની સાંસદ મિતેશ પટેલે માહિતી આપી છે અને ટૂંક સમયમાં જ બંનેને ભારત લવાશે.
શું હતો સમગ્ર મામલો?
આણંદમાં એક યુવતી અને એક યુવકને વિદેશ જવાનો મોહ મોંઘો પડ્યો છે. વાસદની યુવતી અને ઝાંખરીયાના યુવાનને અજરબૈજાનમાં બંધક બનાવાયા છે. મુંબઈના એજન્ટોએ અમેરિકા મોકલવાના બહાને બંનેને અજરબૈજાન લઈ જઈ બંધક બનાવ્યા છે. એજન્ટે અઝરબેજાન-કેનેડા થઈને અમેરિકા મોકલવાની લાલચ આપી હતી. જે બાદ બંનેને બંધક બનાવી વોટ્સએપ પર વીડિયો કોલ કરી યુવકને માર મારવામાં આવ્યો અને ખંડણી વસૂલી પવન નામના એજન્ટે પરિવારજનોને ધમકીઓ આપી 35 લાખ રોકડા અને 15 લાખની ક્રિપ્ટો કરન્સી પડાવી લીધી હતી.
અપહરણકારોએ કુલ 65 લાખ રૂપિયાની ખંડણી વસૂલી હતી. અપહરણકારે ધમકી આપી કે, પૈસા નહીં આપે તો કિડની કાઢી વેચી દેવાશે. બંને યુવક-યુવતી 3 જાન્યુઆરીથી અજરબૈજાનમાં બંધક હોવાની વાત સામે આવી છે. આખરે આણંદ ગ્રામ્ય પોલીસમાં પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જે બાદ કેસની તપાસ એલસીબીને સોંપવામાં આવી છે. આણંદના સાંસદ મિતેષ પટેલે ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયમાં પણ આ અંગે રજૂઆત કરી છે.

