મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હૃદયની સમસ્યાના કેસમાં અમદાવાદ મોખરે, રાજ્યમાં રોજ સરેરાશ 223થી વધુ લોકોને હાર્ટની સમસ્યા

તાજેતરમાં સોશિયલ મીડિયામાં જયપુરનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ડાન્સ

હૃદયની સમસ્યાના કેસમાં અમદાવાદ મોખરે, રાજ્યમાં રોજ સરેરાશ 223થી વધુ લોકોને હાર્ટની સમસ્યા

તાજેતરમાં સોશિયલ મીડિયામાં જયપુરનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ડાન્સ કરતી વખતે એક યુવાનને હાર્ટ એટેક આવતાં ઢળી પડ્યો હતો અને તેનું થોડી જ ક્ષણોમાં તેનું મૃત્યુ થયું હતું. ગુજરાતમાં પણ આ પ્રકારે અચાનક જ હાર્ટ એટેકના કેસ આવવાના કિસ્સા છાસવારે સામે આવી રહ્યા છે.

 સાત મહિનામાં હૃદયની સમસ્યાના 47,180 કેસ

જાન્યુઆરીથી જુલાઇ એમ સાત મહિનામાં હૃદયની સમસ્યાના 47,180 કેસ નોંધાઇ ચૂક્યા છે. આમ, પ્રતિ દિવસે સરેરાશ 223 જ્યારે પ્રતિ કલાકે 9 લોકોને હૃદયની સમસ્યાનો સામનો કરવો પડે છે. 

જિલ્લો 2024 2023
અમદાવાદ 13,906 12,133
સુરત 3870 2,910
રાજકોટ 3103 3,103
વડોદરા 2408 1,980
ભાવનગર 2375 2,177
જામનગર 1757 1,601
જુનાગઢ 1731 1,569
ગાંધીનગર 1313 1,063
અમરેલી 1231 1065
કચ્છ  1118 1042
કુલ 47180 40,258

આ અંગે ઈમરજન્સી સેવા '108' પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જાન્યુઆરીથી જુલાઇ સુધી આ વર્ષે રાજ્યમાં હૃદયની સમસ્યાના 47,180 કેસ જ્યારે ગત વર્ષે 40,258 કેસ નોંધાયા હતા. આમ, ગત વર્ષે જાન્યુઆરી થી જુલાઇની સરખામણીએ આ વખતે હૃદયની સમસ્યા ધરાવતા દર્દીમાં 17 ટકાથી વઘુનો વધારો થયો હતો. જુલાઇમાં રાજ્યમાં હૃદયની સમસ્યાના 7111 કેસ નોંધાયેલા હતા. જૂન કરતાં જુલાઇમાં હૃદયની સમસ્યાના કેસમાં 10 ટકા જેટલો વધારો થયો હતો.

ગુજરાતમાં હૃદયની સમસ્યાના કેસમાં અમદાવાદ મોખરે 

અમદાવાદમાં 13,906 લોકોને છેલ્લા 7 મહિનામાં હૃદયની સમસ્યા સર્જાયેલી છે. આ સ્થિતિએ અમદાવાદમાં દરરોજ સરેરાશ 66 લોકોને હૃદયની સમસ્યાનો સામનો કરવો પડે છે. ગત વર્ષે જાન્યુઆરીથી જુલાઇ સુધી અમદાવાદમાં 12,133 કેસ નોંધાયા હતા. આ સ્થિતિએ અમદાવાદમાં પણ ગત વર્ષ કરતાં 10 ટકાથી વઘુનો વધારો થયો છે. હૃદયની સમસ્યાના સૌથી વઘુ કેસમાં અમદાવાદ બાદ સુરત બીજા અને વડોદરા ત્રીજા સ્થાને છે.

આ છે હૃદયરોગના મુખ્ય લક્ષણો

ડોક્ટરોના મતે છાતી ભારે લાગવી, પરસેવો વળી જવો, ધબકારા વધી જવા અથવા ધબકારા સંભાળાવવા, શ્વાસ લેવામાં તકલીફ થવી, ચક્કર આવવા અથવા આંખે અંધારા આવી જવા, અશકિત લાગવી તેમજ એસીડીટી જેવુ લાગવું, પીઠદર્દ થવું, જડબામાં દુઃખવું, હાથ ભારે લાગવા તે હૃદયરોગના મુખ્ય લક્ષણો છે. આવા લક્ષણો જણાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.

આ સમાચાર શેર કરો