VIDEO: મેઘરાજાની ધડબડાટી; અમરેલીના રાજુલામાં બે કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ, 9 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદી માહોલ છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ અમરેલીના ખાંભામાં 7.76 ઇંચ અને રાજુલામાં 6.73 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 59 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
સાવરકુંડલા: કેરાળા જૂનાસાવર કોઝ-વેમાં ફસાયેલા 7 લોકોનું રેસ્ક્યૂ
અમરેલીના રાજુલા, ખાંભા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. 4 જુલાઈની રાત્રે સાવરકુંડલાના કેરાળા જૂનાસાવર કોઝ-વેમાં 7 મુસાફરો ભરેલી ઈકો કાર ફસાયાની ઘટના બની હતી. સમગ્ર મામલે જાણ થતાં અમરેલી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 3 કલાકની ભારે જહેમત બાદ સાતેય મુસાફરોને પાણીના પ્રવાહમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
9 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના Nowcast અનુસાર, 5 જુલાઈ 2026ના રોજ સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીમાં ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, રાજકોટ, ભાવનગર, બોટાદ, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.
સવારના બે કલાકમાં અમરેલીના રાજુલામાં મેઘરાજાની ધડબડાટી, 49 તાલુકા ભીંજાયા
હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે અમરેલીના રાજુલામાં સવારના બે કલાક એટલે કે છ વાગ્યાથી આઠ વાગ્યાની વચ્ચે જ બે ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યારે ભાવનગરના મહુવામાં પણ દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બીજી રાજકોટના ગોંડલમાં એક ઈંચ જેટલો વરસાદ થવા આવ્યો છે. કુલ બે કલાકના ગાળામાં અત્યાર સુધીમાં 49 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે.


