VIDEO: અમરેલીમાં મેઘમહેર શેલ અને શેત્રુંજી નદી ગાંડીતૂર અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
અમરેલી જિલ્લામાં ભારે વરસાદને પગલે સ્થિતિ ગંભીર બની છે. સાવરકુંડલા થી રઘોળા હાઇવે પર શેલ નદીના પાણી ફરી વળતા વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી થઈ છે. હાઇવે ઉપરાંત જૂના સાવર ગામના રોડ પર પણ શેલ નદીના પાણી વહેતા થયા છે, જેના કારણે ગામના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત, જૂના સાવર નજીકથી પસાર થતી શેત્રુંજી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેને પગલે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. નદીઓના પાણીના પ્રવાહને જોતા નાગરિકોને નદીના પટમાં કે પાણી ભરાયેલા માર્ગો પર અવરજવર ન કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે.

