Amreli: 'હવે જો કોઈ કોળી સમાજના અડયું તો...' MLA હીરા સોલંકીનો આક્રમક મિજાજ

રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી ફરી એકવાર તેમના આક્રમક અને જનસેવકના અલગ અંદાજમાં જોવા મળ્યા છે. રાજુલાના પટવા ગામના ખેતમજૂરોને મહુવાના આસરાણા ગામના કેટલાક અસામાજિક તત્વો દ્વારા રંજાડવામાં આવતા, હીરા સોલંકી ગરીબ મજૂરોના મસીહા બનીને આસરાણા ગામ પહોંચ્યા હતા.
ગામમાં પહોંચી લુખ્ખાઓને લાલ આંખ
ખેતમજૂરોને પરેશાન કરી માર મારતા લુખ્ખા તત્વોની ફરિયાદ મળતા જ ધારાસભ્ય હીરા સોલંકી તાત્કાલિક આસરાણા ગામ પહોંચ્યા હતા અને આક્રમક મૂડમાં આવી ગયા હતા. તેમણે ગામના સરપંચને કડક ભાષામાં ચેતવણી આપી હતી અને લુખ્ખા તત્વોને સમજાવવા માટે ફોન પર કોલ પણ કર્યો હતો. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, "લુખ્ખા તત્વો એવા કાળું, સિડુ ને કહી દેજો આ જાફરાબાદ કાઈ આઘું છે નહી."
હીરા સોલંકીએ આકરા શબ્દોમાં ચીમકી ઉચ્ચારી કે "હવે જો કોઈ કોળી સમાજના અડયું તો..." કહીને ગરીબ મજૂરો પર થતા અત્યાચાર સામે લાલ આંખ કરી હતી.
ધારાસભ્ય હીરા સોલંકીએ આસરાણા ગામે જે રીતે આક્રમક મિજાજમાં રજૂઆત કરી અને અસામાજિક તત્વોને જાહેરમાં ચેતવણી આપી, તેના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા છે. તેમના સમર્થકો અને કોળી સમાજના લોકો દ્વારા આ પગલાંને બિરદાવવામાં આવી રહ્યું છે.

