અંબાજી કોરિડોર : રબારીવાસમાં રહેતા 89 અસરગ્રસ્તોએ ઘરની સામે ઘરની માંગણી સાથે રેલી કાઢી
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપી

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં 1200 કરોડના ખર્ચે અંબાજી કોરિડોર બની રહ્યો છે, જેમાં દર્શનપથ સહિત સતી સરોવર અને વિકાસ તેમજ મંદિરને લગતા અનેકો કાર્યો થવાના છે. અંબાજી કોરિડોર પ્રોજેક્ટ માટે રબારીવાસમાં રહેતા 89 ઘરોને ડિમોલેશનની નોટિસ આપવામાં આવી છે.
50 વર્ષથી અહીં રહીએ છીએ, સરકાર અમને ઘરના બદલે ઘર આપે : અસરગ્રસ્તો
અંબાજીમાં વર્ષોથી રહેતા લોકોને તંત્ર દ્વારા નોટિસો ફટકારી છે. સ્થાનિક કોંગ્રેસ ધારાસભ્ય અને કોંગ્રેસના પ્રવક્તા સમક્ષ અસરગ્રસ્તોએ પોતાની વેદના વ્યક્ત કરતા રજૂઆત કરી હતી કે અહીંયા 50 વર્ષથી વધુ સમયથી વસવાટ કરીએ છીએ અને અંબાજીના વિકાસનાકાર્યોમાં સહભાગીદાર પણ થવા તૈયાર છીએ. અમારી એક જ માગણી છે કે અમને ઘરના બદલે ઘર મળે. એમને તંત્રના અધિકારીઓ ચાર દિવસમાં વર્ષો થી રહેતા મકાનો છોડવાનું કહી રહ્યા છે. સરકાર અને તંત્ર અમારી વેદના સમજી અમને રહેવા માટે મકાનની વ્યવસ્થા કરી આપે તો એમ અહીંથી સ્વૈચ્છિક રીતે આ જગ્યા છોડીને જતા રહીશું.
આ સરકાર રક્ષક નથી ભક્ષક છે : કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડી
આ અસરગ્રસ્તોની મુલાકાતે આવેલા કોંગ્રેસ પ્રવક્તા લાલજી દેસાઈ અને સ્થાનિક ધારાસભ્ય કાંતિ ખરાડીએ સરકાર પર આગ્રહ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે આ સરકાર રક્ષક નથી ભક્ષક છે. લોકોની વેદનાને આ સરકાર સમજી શકતી નથી માત્ર અને માત્ર આ સરકાર ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનોનો વિકાસ કરવા માંગે છે અને ગરીબો નો વિનાશ કરવા માંગે છે. સરકારે જ્યારે આ ગરીબોના મકાનને તોડી પાડવાનું નક્કી કર્યું છે ત્યારે અમે આજે માતાજીને પ્રાર્થના કરવા જઈ રહ્યા છે. મોટી સંખ્યામાં અસરગ્રસ્તો સાથે કોંગ્રેસના નેતાઓ અને સમાજના આગેવાનો માતાજીને પ્રાર્થના કરવા મંદિરે ગયા હતા અને ત્યારબાદ અંબાજી નગરમાં રેલી યોજી હતી.






