મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતની કઠોદરાની સ્કૂલને શિક્ષણમંત્રીએ લોકાર્પિત કર્યાના 3 મહિને પણ વિદ્યાર્થીઓને પુસ્તક ન મળ્યાના આક્ષેપ

સુરતના કઠોદરા પ્રાથમિક શાળામાં મોટેભાગનાં વિદ્યાર્થીઓને પુસ્તકો કે શાળા સામગ્ર

સુરતની કઠોદરાની સ્કૂલને શિક્ષણમંત્રીએ લોકાર્પિત કર્યાના 3 મહિને પણ વિદ્યાર્થીઓને પુસ્તક ન મળ્યાના આક્ષેપ

સુરતના કઠોદરા પ્રાથમિક શાળામાં મોટેભાગનાં વિદ્યાર્થીઓને પુસ્તકો કે શાળા સામગ્રી મળી નથી. જેથી આપના મહેશભાઈ અણઘણ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય રાકેશભાઈ હીરપરાએ કઠોદરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. ત્યાં જઈને અને વિદ્યાર્થીઓ સાથે વાત કરતા માલુમ પડ્યું કે લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓ પુસ્તક વગર અભ્યાસ કરી રહ્યા છે.

શાસકો પર આક્ષેપ

'આપ' કોર્પોરેટર મહેશભાઈ અણઘણે ખેદ વ્યક્ત કરીને શાસકો પર પ્રહાર કરતાં કહ્યુ કે, અત્યંત દુઃખની બાબત છે કે શિક્ષણ મંત્રીનાં પોતાના જ મતવિસ્તાર માં બાળકો પાઠ્યપુસ્તક વિના અભ્યાસ કરી રહ્યાં છે. શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ ત્રણ મહિના પહેલા જ આ શાળાનું લોકાર્પણ કરેલું હતું અને હજુ બાળકોને શાળા સામગ્રી કે પાઠ્યપુસ્તકો મળ્યા નથી. મહેશભાઈ અણઘણે વધુમાં જણાવ્યું હતું કે, એકબાજુ વાલીઓ પ્રાઇવેટ શાળા છોડાવી સરકારી શાળામાં ભણાવવા તૈયાર થયાં છે અને બીજી બાજુ સરકારી શાળામાં બાળકોને અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ નથી કરાવતી. હકીકતમાં ભાજપ સરકાર ઇચ્છતી જ નથી કે, બાળકો સરકારી શાળામાં ભણે. જો સરકારી શાળામાં ભણશે તો પ્રાઇવેટ શાળા સાથેનું સેટિંગ ભાંગી પડશે.

બાળકોના ભવિષ્ય સામે જોવા અપીલ

મહેશભાઈ અણઘણે કહ્યુ કે, શાળા તરફથી પણ વારંવાર રજુઆત કરવામાં આવી છે પરંતુ પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવાની તસ્દી હજુ શાસકો કે તંત્રએ લીધી નથી. હું શિક્ષણ મંત્રીને અપીલ કરું છું કે તાત્કાલિક આ શાળામાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અને બીજી જરૂરી સામગ્રીઓ ઉપલબ્ધ કરાવે જેથી બાળકોને ભણવામાં તકલીફ ના પડે અને તેઓનું ભવિષ્ય સુધરે.

આ સમાચાર શેર કરો