VIDEO: ગુજરાતમાં જામ્યો શિયાળો: 24 કલાકમાં પારો 4 ડિગ્રી ગગડ્યો, જાણો તમારા શહેરમાં કેટલી છે ઠંડી?
VIDEO: ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો છે. પાછલા દિવસોની સરખામણીએ રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડી વધી
રાજ્યના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 3.1 ડિગ્રીનો ઘટાડો થતા પારો 15.3 ડિગ્રી પર પહોંચ્યો છે. જ્યારે ગાંધીનગરમાં 13.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ઠંડા પવનોને કારણે જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે.
નલિયામાં કાતિલ ઠંડી
કચ્છનું નલિયા 10.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે. સમગ્ર રાજ્યમાં મોટાભાગના સ્થળોએ પારો ગગડ્યો હોવા છતાં, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ તાપમાન સામાન્ય કરતાં 2થી 4 ડિગ્રી ઊંચું છે. એટલે કે, જાન્યુઆરી માસની જે પ્રકારની કાતિલ ઠંડી હોવી જોઈએ, તેવી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે.
ક્યારથી ઘટશે ઠંડી? (હવામાન વિભાગની આગાહી)
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, ઠંડીનો આ રાઉન્ડ લાંબો સમય નહીં ટકે. 3 જાન્યુઆરીથી રાજ્યમાં તાપમાનમાં ધીમેધીમે વધારો થવાની શક્યતા છે, જેને પગલે ઠંડીનું જોર ફરી ઘટશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પવનોની દિશામાં થતા ફેરફારને કારણે ઠંડીમાં ઘટાડો નોંધાશે.

