VIDEO: Weather Forecast: રાજ્યમાં પવનની દિશા બદલાતા ગરમી વધશે, જાણો તમારા શહેરનું તાપમાન
VIDEO: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તાજી આગાહી મુજબ, આગામી બે દિવસ બાદ રાજ્યના તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. આ ફેરફારને કારણે અમદાવાદીઓ સહિત સમગ્ર રાજ્યવાસીઓએ કાળઝાળ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે.
તાપમાન 39 ડિગ્રીને પાર કરી શકે છે
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, પવનની દિશા બદલાવાને કારણે ગરમીનો અનુભવ વધશે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 37થી 39 ડિગ્રી સુધી પહોંચી શકે છે. હાલમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 34.7 ડિગ્રી નોંધાયું છે, જ્યારે રાજ્યમાં સૌથી વધુ ગરમી ભુજમાં 35 ડિગ્રી નોંધાઈ છે.
પવનની દિશા બદલાતા વધશે ઉકળાટ
હવામાન વિભાગે જણાવ્યું છે કે અત્યારે વાતાવરણમાં જે ફેરફાર જોવા મળી રહ્યો છે તેનું મુખ્ય કારણ પવનની બદલાતી દિશા છે. હોળી-ધૂળેટીના તહેવાર પહેલા જ લોકોને બપોરના સમયે આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને બપોરના સમયે કામ વગર બહાર નીકળવાનું ટાળવું હિતાવહ છે.

