VIDEO: રાજ્યમાં બેવડી ઋતુની અસર: બપોરે ગરમી અને રાત્રે ઠંડી વચ્ચે તાપમાનમાં મોટો ઉછાળો, જાણો તમારા શહેરની સ્થિતિ
VIDEO: સમગ્ર ગુજરાતમાં હાલ હવામાનનો મિજાજ બદલાયેલો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીના મધ્યમાં જ રાજ્યમાં 'ડબલ સીઝન' એટલે કે બેવડી ઋતુની અસર વર્તાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં દિવસ દરમિયાન કાળઝાળ ગરમી અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનના પારામાં જોવા મળતો આ મોટો તફાવત લોકોનાં આરોગ્ય પર પણ અસર કરી રહ્યો છે.
તાપમાનના આંકડા અને આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીની આસપાસ નોંધાયું છે, જ્યારે મહત્તમ તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. ખાસ કરીને બપોરના સમયે સૂર્યનો તાપ વધતા ગરમીનો અનુભવ થાય છે, જ્યારે સૂર્યાસ્ત બાદ તાપમાનમાં ઝડપથી ઘટાડો નોંધાય છે. અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન 19.2 ડિગ્રી નોંધાયું છે, જ્યારે પાટનગર ગાંધીનગરમાં 18.8 ડિગ્રી તાપમાન રહ્યું છે.
નલિયા સૌથી ઠંડું શહેર
રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 14.3 ડિગ્રી નોંધાયું છે. બીજી તરફ, મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ નોંધાતા બપોરના સમયે ઉનાળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના મતે, આગામી થોડા દિવસો સુધી આ સ્થિતિ યથાવત રહેશે, જેના કારણે વહેલી સવારે અને રાત્રે ગરમ કપડાં પહેરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
આરોગ્ય નિષ્ણાતોની સલાહ
આવી બેવડી ઋતુમાં શરદી, ઉધરસ અને વાયરલ ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોએ આ બદલાતા હવામાનમાં સાવચેત રહેવું જરૂરી છે.

