VIDEO: અમદાવાદમાં દિવાળી પહેલા કાગદી બજારમાં કેલેન્ડર-દટ્ટાની ખરીદી માટે ભીડ જોવા મળી
VIDEO: દિવાળીના તહેવારો શરૂ થઈ ચુક્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં વિવિધ બઝારમાં ભીડ જોવા મળી રહી છે. ભલે જમાનો બદલાયો હોય પણ આજે પણ કેટલાક લોકો શુકન માટે કેલેન્ડર ડટ્ટા અને પંચાંગની ખરીદી કરતા હોય છે. નવા વર્ષના પ્રારંભથી આગામી વર્ષ સુધીના મહિનાઓ, તિથિઓ, નક્ષત્ર તેમજ શુભ અને અશુભ ઘડી જાણવા માટે ડટ્ટાઓ કે કેલેન્ડર ઉપયોગી છે.
પ્રકાશના પર્વ દિવાળીના દિવસોથી લગભગ એક મહિના સુધી માર્કેટમાં કેલેન્ડર અને ડટ્ટાઓનું ધૂમ વેચાણ થતું જોવા મળે છે. અમદાવાદનાં જાણીતા કાગદી બજારમાં આ વસ્તુઓ વેચાઈ રહી છે. જોકે પહેલાંના સમય કરતાં તેની માંગ ખૂબ જ ઘટી છે. છતાં વેપારીઓનું કહેવું છે કે શહેરી વિસ્તારમાં
આ વસ્તુઓની માંગ હોતી નથી પરંતુ ગામડાઓમાં આજે પણ લોકો તેની ખરીદી કરે છે અને આથી જ ત્યાં માલ મોકલવામાં આવે છે.
પહેલા મોટાપાયે આ કેલેન્ડર ડટ્ટાની ખરીદી માટે ઘરાકી રહેતી હોવાથી થોકબંધ વસ્તુઓ તૈયાર કરવામાં આવતી પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. જો કે, દૂર-દૂરથી ગામડાઓમાંથી વેપારીઓ, ગ્રાહકો અમદાવાદની કાગદી બજારમાં અચૂક જઈને જથ્થાબંધ કેલેન્ડર અને પંચાગના ડટ્ટાઓ ખરીદતા હોય છે. આ વેપારીઓને લીધે દિવાળીની રોનક જોવા મળી રહી છે.

