VIDEO: ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ? આગામી 24 કલાકમાં તાપમાન 3 ડિગ્રી ઘટવાની આગાહી, જાણો અમદાવાદની સ્થિતિ
VIDEO: ગુજરાતમાં ડબલ સિઝન વચ્ચે હવે હવામાન વિભાગે તાપમાનને લઈને મહત્વની આગાહી કરી છે. અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, રાજ્યમાં પવનની દિશા બદલાતા ઉત્તર-પૂર્વ અને પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાશે.
તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાક દરમિયાન રાજ્યના લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આનો અર્થ એ છે કે રાત્રિના સમયે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો વધશે. જોકે, રાહતની વાત એ છે કે આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં અને તે યથાવત્ રહેશે.
અમદાવાદમાં કેવું રહેશે વાતાવરણ?
રાજ્યના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદમાં પણ પવનની અસર જોવા મળશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. બપોરના સમયે સામાન્ય ગરમી અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થશે. ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટશે અને સૂકો પવન અનુભવાશે.

