VIDEO: AMTSના પાસ હવે ઓનલાઈન થશે, આગામી 1લી ડિસેમ્બરથી વિદ્યાર્થીઓ માટે ડિજિટલ પાસની સુવિધા મળશે
Ahmedabad news: એએમટીએસના પાસ કઢાવવા માટે હવે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી.. ડિજિટલ યુગમાં પાસ નીકળવાની કામગીરી ઓનલાઈન થશે. આગામી 1લી ડિસેમ્બરથી અમલ કરવામાં આવશે. અંદાજે 50 હજારથી વધુ વિધાર્થી પાસની સુવિધા મેળવે છે ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ફાયદો થશે. AMTS દ્વારા શહેરમાં 900થી વધુ બસ દૈનિક ધોરણે દોડાવવામાં આવે છે. જેનો ગરીબ અને મધ્યમ વર્ગના સેંકડો મુસાફરો લાભ લેતા હોય છે.
AMTS દ્વારા શાળા કૉલેજમાં વિધાર્થીઓ માટે કન્સેશન પાસની સુવિધા પણ આપવામાં આવે છે. જેનો લાભ લેવા વિધાર્થીઓએ શહેરમાં આવેલા Amtsના સેન્ટરો પર વિવિધ પુરાવાઓ લઈને રૂબરૂ જવું પડતું હતું. જ્યાં પેયમેન્ટ કર્યા બાદ AMTS તરફથી તે તમામ ફોર્મ મુંબઈ સ્થિત icici બેન્કની કચેરીએ મોકલવામાં આવતા હતા અને ત્યાંથી 15 દિવસમાં સ્માર્ટ કાર્ડ બનીને આવે એ બાદ વિધાર્થીઓને તે મેળવવા પુનઃ સેન્ટરો પર જવું પડતું હતું. પણ હવે AMTS દ્વારા AMCની i-pass નામની મોબાઈલ એપ્લિકેશનને એક ડિસેમ્બરથી અમલમાં લાવવામાં આવશે. જેના થકી વિધાર્થી પોતાનું ફોર્મ ડાઉનલોડ કરી જરૂરી પુરાવાઓ સાથે તેને એપ્લિકેશનમાં જ અપલોડ કરી શકશે.
જેની OTP સહિતની પ્રક્રિયાની તમામ ખરાઈ કર્યા બાદ AMTS અધિકારી સિસ્ટમ માંથી જ તેને મંજૂરી આપશે અને તે બાદ વિધાર્થી પોતાનો ડિજિટલ પાસ ડાઉનલોડ કરી શકશે અને મુસાફરી દરમ્યાન તેનો આસાન ઉપયોગ કરી શકશે. આ ડિજિટલ પાસ ઉપરાંત AMTS દ્વારા અગાઉની ફિઝિકલ પાસની સુવિધા પણ યથાવત રાખી છે.

