VIDEO: અમદાવાદ-ગાંધીનગરમાં માવઠું: ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડતા S.G.હાઈવે પર અષાઢી માહોલ
VIDEO: ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ ઘેરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આજે સોમવારે બપોરે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં અને ખાસ કરીને એસ.જી. હાઈવે પર અચાનક વાતાવરણ પલટાયું હતું અને ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું. ભારે પવન સાથે આવેલા આ વરસાદને કારણે વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
ભરબપોરે અંધારપટ અને વરસાદ
બપોરે ૩ વાગ્યાના સુમારે આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને જોતજોતામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ઈસ્કોન, પકવાન અને એસ.જી. હાઈવેના પટ્ટા પર વરસાદનું જોર વધુ હોવાથી અનેક વાહનચાલકોએ ઓવરબ્રિજ નીચે આશરો લેવો પડ્યો હતો. આ અચાનક આવેલા વરસાદમાં અનેક રાહદારીઓ પલળી ગયા હતા.
ગાંધીનગરમાં પણ સવારથી પલટો
ઉલ્લેખનીય છે કે, માત્ર અમદાવાદ જ નહીં પરંતુ આજે સવારે 10 વાગ્યાની આસપાસ ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. અમદાવાદમાં પડેલા આ ઝાપટાને કારણે છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ગરમીમાં રાહત મળી છે અને વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, ખેડૂતો માટે આ માવઠું ચિંતાનો વિષય બની શકે છે.

