VIDEO: અમદાવાદ: ફાયર વિભાગે દોરડા વડે લટકી યુવકનો જીવ બચાવ્યો
આજરોજ સવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ ચંદ્રનગર પાણીની ટાંકી પાસેના કોમલ લક્ઝુરીયા ફ્લેટના સાતમા માળેથી એક ૨૨થી ૨૫ વર્ષનો જોગિન્દર નામનો માનસિક અસ્વસ્થ યુવક ગેલેરીમાંથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનો કોલ ફાયર કંટ્રોલરૂમને મળ્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈ જમાલપુર ફાયર સ્ટેશનની ટીમ જમાદાર ભાવેશભાઈ અને નલિનભાઈ કહહારની આગેવાનીમાં તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયરમેન નરેશકુમાર પરમારે અદ્ભુત સમયસૂચકતા અને હિંમત દાખવી, જમાદારોની સૂચના મુજબ આઠમા માળેથી દોરડાના સહારે લટકીને સાતમા માળની બાલ્કનીમાં ઊભેલા યુવકને અંદરની તરફ ધક્કો મારી પકડી લીધો હતો. અમદાવાદ ફાયર સર્વિસની આ ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરીને કારણે યુવકનો જીવ બચી ગયો હતો. યુવકને બચાવીને ફાયર વિભાગે વધુ કાર્યવાહી માટે 112ની પોલીસ ટીમને સોંપવામાં આવ્યો હતો.

