બાવળામાંથી 4.35 કરોડના એમ્બરગ્રીસ સાથે બે શખ્સો પકડાયા, SMCની મોટી કાર્યવાહી

અમદાવાદ ગ્રામ્યના બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા આકૃતિ આર્કેડ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં દરોડો પાડી પોલીસે કરોડો રૂપિયાની કિંમતનું એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઊલટી) જપ્ત કર્યું છે.
4 કિલો 354 ગ્રામ એમ્બરગ્રીસ જપ્ત
SMCની ટીમે કાર્યવાહી દરમિયાન અજય અશોકભાઈ ચાવડા અને હિતેશ દશરથભાઈ ચૌહાણ નામના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. કબજે કરાયેલા એમ્બરગ્રીસની ફોરેસ્ટ વિભાગ અને FSL દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ 4 કિલો 354 ગ્રામ એમ્બરગ્રીસની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત રૂ.4,35,40,000 હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત અન્ય મુદ્દામાલ સહિત પોલીસે કુલ રૂ.4,38,17,770નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન એમ્બરગ્રીસના વેચાણ અને હેરાફેરી સાથે સંકળાયેલા અન્ય સાગરીતોના નામ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર મામલે બાવળા પોલીસ સ્ટેશનમાં વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને એમ્બરગ્રીસની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

